અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસના અંતરાય અને અવરોધો બાદ આજે ફરી એકવાર દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને લઇ પ્રવાસીઓની સાથે સાથે સ્થાનિક તંત્ર અને ખુદ રાજય સરકારે પણ ભારે રાહત અનુભવી છે. કારણ કે, રો-રો ફેરી સર્વિસ સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ છે. દહેજ-ઘોઘા વચ્ચે ચાલી રહેલી રો-પેક્સ જહાજ વોયેજ સીમ્ફનાં એન્જીન કુલિંગ સિસ્ટમમાં ખોટ સર્જાતા આ દરિયાઇ સેવા છેલ્લા ૨૦ દિવસથી બંધ હતી. જેને બે દિવસની ટ્રાયલ રન બાદ ઇન્ડીયન રજીસ્ટ્રાર ઓફ શિપિંગ (આઇ.આર.એસ) દ્વારા આ જહાજને ક્લીયરન્સ સર્ટિિફકેટ આપવામાં આવ્યું છે. જેને પગલે હવે ઘોઘા-દહેજ વચ્ચે ચાલી રેહલી રો-પેક્સ ફેરી સર્વિસના જહાજને પુનઃશરૂ કરવામાં આવી છે.
આજથી આ જહાજ પુનઃ તેના રૂટ પર શરૂ કરવાની તંત્રએ તજવીજ હાથ ધરી હતી. આ જહાજને ફરી શરૂ થતા રોજની બે ટ્રીપ મારશે. જેમાં પહેલી ટ્રીપ સવારે ઘોઘાથી ૮ કલાકે શરૂ કરી ૧૧.૩૦ વાગે દહેજ પહોંચશે. જ્યારે બીજી ટ્રીપ સાંજે ૪ કલાકે શરૂ કરી મોડી સાંજે દહેજ પહોંચશે. ઉલ્લેખનીય છે કે, ગત તારીખ ૨૧મી નવેમ્બરના રોજ સવારે ૧૧.૩૦ કલાકે દહેજથી ઘોઘા આવવા માટે નીકળેલા રો-પેક્સ જહાજ વોયેજ સીમ્ફનીને દહેજમાં ઓછા પાણીની સમસ્યા નડી હતી. સામાન્ય રીતે ૫ મીટરનો ડ્રાફ્ટ હોય તો આ શિપ સરળતાથી પરિવહન કરી શકે છે. તેના બદલે તે સમયે દહેજમાં માત્ર ૨.૮ મીટરનો ડ્રાફ્ટ હતો. જેના કારણે જહાજનો પ્રોપેલર (પંખો) દરિયાના તળીયે અડકવા લાગ્યો હતો અને ગારો ઉડવા લાગ્યો હતો. પંખાની નજીક એન્જીનની કુલિંગ સીસ્ટમ માટે પાણી ખેંચતો પાઇપ આવેલો હોય છે. તેમાં ગારો/કાદવ અને પ્લાસ્ટિક થેલી ઘૂસી જતાં કુલિંગ સીસ્ટમ ક્ષતિગ્રસ્ત થઇ હતી. ઘોઘાથી ૩ માઇલ જહાજ દૂર હતુ. ત્યારે શિપમાં ઓવર હિટિંગ એલાર્મ વાગતા જહાજને અટકાવી દેવાની ફરજ પડી હતી.
ત્યારબાદ ૩ ટગની મદદથી તેને ઘોઘા ડોલ્ફીન ખાતે લાવવામાં આવ્યુ હતુ. મુંબઇથી આવેલા મરિન ઇન્જીનિયરો દ્વારા મરામત કામ કરાયા બાદ આઇ.આર.એસ. દ્વારા જહાજની ટ્રાયલ રન લેવામાં આવી હતી. જેમાં ગત મંગળવારે ૪ કલાક સુધી અને બુધવારે ૪ કલાક ટ્રાયલ લેવામાં આવી હતી. તમામ બાબતોની સંતુષ્ટી થયા બાદ સંબંધિત વિભાગ દ્વારા જહાજને પુનઃ જળ મુસાફરી માટે પ્રમાણિત કરવામાં આવ્યુ હતુ. દહેજ ખાતે ડ્રેજીંગની મુખ્ય સમસ્યા છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા અવિરત પણે ડ્રેજીંગ કરાવવામાં આવે તો જ ૫ મીટરનો ડ્રાફ્ટ જાળવી રાખવો શક્ય બને તેમ છે. દહેજમાં નદીનું મુખ આવતું હોવાથી કાંપ મોટી માત્રામાં ઢસડાઇને આવે છે અને ડોલ્ફીનની આજુબાજુ માટી ધસી આવી છે. તેવી જ રીતે ઘોઘા ખાતે ચેનલ બનાવવા માટે ડ્રેજીંગ કરવામાં આવ્યુ હતુ. તેની માટી હજુ પણ ચેનલની બાજુમાં જ પધરાવેલી છે અને તેને દૂર કરવામાં આવી રહી નથી. જેના કારણે ચેનલમાં આ માટી ઢસડાઇને આવી રહી છે. આમ, ડ્રેજીંગની સમસ્યા ફેરી સર્વિસમાં સૌથી વિકરાળ છે. આ અંગે ઈન્ડીગોનાં અધિકારીને પૂછતા તેઓ જણાવેલ કે આવનાર સમય ફરી પણ આવી ઘટના બની શકે કેમ કે જ્યાં સુધી દરિયામાં ડ્રેજીંગ જો રોજે રોજ પ્રોપર નહિ કરવામાં આવે તો ફરી સમસ્યા ફેરી સર્વિસમાં થઇ શકે તેમ છે. ઘોઘાથી હજીરા વચ્ચે ડિસેમ્બરમાં પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની યોજના હતી. પરંતુ ઘોઘાથી હજીરા વચ્ચેનું દરિયાઇ અંતર ૬૭ માઇલ હોવાથી અને સર્વિસ અવિરત પણે ચાલી રહે તેવા હેતુથી પેસેન્જર શિપ ઇન્ડીગો ૧માં પ્રી-પ્લાન્ડ મેઇનટેનન્સમાં મુકવામાં આવ્યુ હતુ. જહાજનું એન્જીન અમેરિકાનું હોવાથી તેના ઇજનેર વિદેશથી બોલાવવામાં આવ્યા હતા અને સર્વિસિંગ તથા મરામત કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. ઇન્ડીગો સી-વેઝના જણાવ્યા પ્રમાણે ઘોઘા-હજીરા વચ્ચે જાન્યુઆરી-૨૦૧૯માં સેવા શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.