દાદા સાહેબ ફાળકે એવોર્ડ અભિનેત્રી આશા પારેખને થશે એનાયત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દિગ્ગજ ફિલ્મ અભિનેત્રી આશા પારેખને વર્ષ ૨૦૨૦ માટેનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ વિભાગના મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય સિનેમામાં લાઈફ ટાઈમ કન્ટ્રીબ્યુશન માટે આશા પારેખને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવાનો ર્નિણય જ્યુરી દ્વારા લેવાયો છે.

દેશના રાષ્ટ્રપતિ દ્વારા તેમને આ એવોર્ડ એનાયત થશે. આશા પારેખે એક નિવેદનમાં એવોર્ડ માટે પસંદગી બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જણાવ્યું હતું કે, ફિલ્મ, આર્ટ અને સિનેમા માટે આપેલા બધા સમયની આ રીતે સરાહના થશે તેવું વિચાર્યું પણ ન હતું. એવોર્ડ માટે પસંદગી કરનારા જ્યુરીના પાંચ સભ્યમાં હેમા માલિની, પૂનમ ધિલ્લોન, ટી.એસ. નાગાભરણા, ઉદિત નારાયણ અને આશા ભોંસલેનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ૬૦ અને ૭૦ના દસકામાં આશા પારેખને હિટ ગર્લ તરીકે ઓળખવામાં આવતાં હતા, કારણ કે તેમની ફિલ્મો ૨૫-૫૦ અઠવાડિયા સુધી થીયેટરમાં ચાલતી હતી. આશા પારેખના પુસ્તક ‘ધ હિટ ગર્લ’માં સલમાન ખાને લખ્યું છે કે, તેના પિતા સલીમ ખાનને યાદ છે કે આશાજી હોય તે ફિલ્મને લેવા ડિસ્ટ્રિબ્યુટર્સ તલપાપડ રહેતા હતા. ૧૯૪૨ના વર્ષમાં જન્મેલા આશાજીની પહેલી ફિલ્મ માત્ર ૧૦ વર્ષની ઉંમરે રિલીઝ થઈ હતી. મુંબઈમાં ગુજરાતી પરિવારમાં જન્મેલા આશાજીએ નાની ઉંમરથી જ શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી હતી. હિન્દી ફિલ્મોના સફળ એક્ટ્રેસ એવા આશાજીએ ગુજરાતી ફિલ્મોમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

Share This Article