લખનૌ : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના એવા લાભાર્થીઓને જે લાભાર્થીઓએ કનેક્શન લીધા બાદ રિફિલિંગ કરાવી નથી તેમને મોટી રાહત આપવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. ટુંક સમયમાં જ ગ્રાહકો હપ્તા પરથી અથવા તો પ્રતિ કિલોના દરે એલપીજી સિલિન્ડર ભરાવી શકશે. તમામ લોકોને વધારે રાહત આપવા માટેની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. થોડાક સમય પહેલા જ દિલ્હીમાં પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતુ કે ઓઇલ કંપનીઓના અધિકારીઓ દ્વારા તેમની સામે બે પ્રસ્તાવ મુકવામાં આવ્યા છે.
જે પૈકી એક પ્રસ્તાવ બીજી વખત સિલિન્ડજર ભરાવવાની સ્થિતીમાં બેથી ચાર હપ્તામાં પૈસા લેવાના પ્રસ્તાવનો સમાવેશ થાય છે. બીજી બાજુ લાભાર્થીઓની સુવિધા માટે પ્રતિ કિલોના દરે પૈસા લેવા માટેની બાબતનો સમાવેશ થાય છે. આ બંને પર મંત્રાલયના અધિકારીઓ કામ કરી રહ્યા છે. ઇન્ડિયન ઓઇલના એક અધિકારીઓએ કહ્યુ હતુ કે પ્રદેશમાં ઉજ્જવલા યોજના હેઠળ હજુ સુધી ૧.૬ કરોડ લોકોને યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
જે પૈકી ૨૦ ટકા લાભાર્થીઓ રિફિલિંગ માટે એક હપ્તાના પૈસા આપવાની સ્થિતીમાં પણ નથી. એક અધિકારીએ કહ્યુ છે કે પ્રદેશમાં ચાર કરોડ ૦૭ લાખ ૪૫ હજાર ૬૭૭ રાંધણ ગેસના ગ્રાહકો છે. બીજા સિલેન્ડર લેવા માટે કેટલાક લોકો અસમર્થ છે. ગ્રાહકોને એલપીજી સિલિન્ડરને લઇને રાહત આપવા માટેની હિલચાલ ચાલી રહી છે. ટુંક સમયમાં જ રાહતની સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર છે. પ્રધાને કહ્યુ છે ગ્રાહકોને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તેવા અન્ય પાસા પર ચર્ચા ચાલી રહી છે.