નવી દિલ્હી : પરોક્ષ કરવેરા વ્યવસ્થામાં ધરખમ સુધારા કરવામાં આવ્યા બાદ મોદી સરકાર હવે કારોબારને સરળ બનાવવાના ઈરાદાથી જીએસટી જેવા જ વધુ એક મોટા સુધારાની દિશામાં આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે કસ્ટમ ડ્યુટીના માળખામાં મોટા ફેરફાર કરવાના મૂડમાં દેખાઈ રહી છે. વેપારી ગતિવિધિને વધુ તીવ્ર બનાવવાનો હેતુ આની પાછળ રહેલો છે. આ ફેરફારમાં ટેક્સ અધિકારીઓની સામે આમને સામને આવવાની સ્થિતિ ખતમ થઈ જશે.
ચીજવસ્તુઓની પરિવહનની પ્રક્રિયા સરળ બનશે. ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ફેરફારથી ભ્રષ્ટાચાર અને લાંચ ઉપર અંકુશ મુકવાની સાથે સાથે ચીજવસ્તુઓની હેરાફેરી વધુ ઝડપથી થઈ શકશે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમના ચેરમેન એસ.રમેશે એક વાતચીતમાં કહ્યું છે કે અમે હજુ સુધી જે કરી રહ્યા હતા તેમાંથી બિલકુલ અલગ પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવી રહી છે. અમે ફેસલેસ મૂલ્યાંકનના નવા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ. એક મહિનામાં પાયલોટ આધાર ઉપર આની શરૂઆત કરવામાં આવનાર છે. આનો મુખ્ય ઈરાદો વર્લ્ડ બેંકના ઈઝ ઓફ ડુઈ બિઝનેસ યાદીમાં ૫૦માં સ્થાન ઉપર આવવાની દિશામાં પહેલ છે. સરહદ પાર વેપારના મામલામાં ભારત ૧૪૬માં સ્થાનથી આગળ વધીને હવે ૮૦માં સ્થાન પર પહોંચી ચુક્યું છે. રમેશે કહ્યું હતું કે બોર્ડ આ વિષય ઉપર વિચાર શરૂ કરશે. આના માટે કાયદા કાનૂનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે કેમ તે દિશામાં પણ પહેલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે આદર્શ સ્થિતિ તો એ જ રહેશે કે જે ચીજવસ્તુઓ મુંબઈમાં બંદર ઉપર ઉતરે તે ચીજવસ્તુઓનું મૂલ્યાંકન ચેન્નાઈમાં પણ કરી શકાય. સાથે સાથે મૂલ્યાંકનની પ્રક્રિયા વધુ સરળ કરવામાં આવી રહી છે. જા ભારતમાં પણ નવી વ્યવસ્થા અમલી કરવામાં આવશે તો દિલ્હીમાં પહોંચનાર ચીજવસ્તુઓનું મૂલ્યાંકન ચેન્નાઈમાં થઈ શકશે.
આના માટે વેપારીઓને ચેન્નાઈના કસ્ટમ અધિકારીઓની સામે આવવાની જરૂર પડશે નહીં. મૂલ્યાંકન બાદ વેપારીને ઈમેલ અને એસએમએસથી માહિતી આપી દેવામાં આવશે તે તેમની ચીજવસ્તુઓ રિલીઝ માટે તૈયાર છે અને આ ચીજવસ્તુઓ તેઓ લઈને જઈ શકશે, પરંતુ આવી વ્યવસ્થા વિશ્વાસપાત્ર વેપારીઓ અને ઓછા જાખમવાળા સામાન માટે લાગુ થશે. રમેશે કહ્યું હતું કે ભારત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આના પ્રયોગ થઈ રહ્યા છે. કસ્ટમે આ સંદર્ભમાં તૈયારી પણ કરી છે. વર્ષના અંત સુધી પરોક્ષ કરવેરા સંગ્રહના લક્ષ્યને પૂર્ણ કરવા તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે.