કસ્ટમ ટીમે મુંબઈ એરપોર્ટ પર ૧૬.૮ કરોડનું હેરોઈન જપ્ત કર્યુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ટીમે સોનું, મોંઘી વસ્તુઓ કે ડ્રગ્સને જપ્ત કર્યુ હોવાનું અનેક ઘટનાઓ ઘણી વાર સામે આવી છે. ત્યારે ફરી એક વાર કસ્ટમ ટીમે એરપોર્ટ પર હેરોઈન જપ્ત કર્યુ છે. કસ્ટમ્સની ટીમે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૬.૮ કરોડની કિંમતનું ૨.૪ કિલો હેરોઈન જપ્ત કર્યું છે. વિભાગીય ટીમે સ્થળ પરથી એક વિદેશી નાગરિકની પણ ધરપકડ કરી છે. એક અધિકારીએ આ જાણકારી આપી. અધિકારીના જણાવ્યા અનુસાર મુંબઈ એરપોર્ટ પર વિદેશથી નશીલા પદાર્થોનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ કસ્ટમ વિભાગની ટીમ એલર્ટ થઈ ગઈ હતી. કસ્ટમ્સની ટીમે વિદેશી નાગરિકને યુગાન્ડાના એન્ટેબેથી તપાસ માટે રોક્યો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી લગભગ ૧૬.૮ કરોડ રૂપિયાનું હેરોઈન મળી આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કસ્ટમ કર્મચારીઓને જાણવા મળ્યું કે હેરોઈન કાર્ડબોર્ડ બોક્સમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે યાત્રીની એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Share This Article