નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ચાર રાજ્યોમાંથી ૭૦૦૦થી વધુ સીઆરપીએફ જવાનોને પાછા ખેંચી લેવાનો આદેશ કર્યો છે. આ જવાનોને હવે દક્ષિણી બસ્તરમાં ગોઠવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમ માનવામાં આવે છે કે, હવે સૌથી મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધુ સંખ્યામાં સીઆરપીએફ જવાનોને ખસેડવામાં આવ્યા છે. છત્તીસગઢમાં દક્ષિણી બસ્તરના નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં આ જવાનોની તૈનાતી કરવામાં આવનાર છે. સીઆરપીએફના સાત હજારથી વધુ જવાનોને પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં નક્સલવાદ વિરોધી ઓપરેશનમાં તૈનાત કરવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશમાં આંતરિક સુરક્ષા સંબંધિત ફરજ માટે પણ ગોઠવવામાં આવ્યા હતા. હાલમાં જ જારી કરવામાં આવેલા આદેશ મુજબ સંબંધિત રાજ્ય સરકારોને સૂચના આપી દેવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધુ ત્રણ બટાલિયનો, બિહારમાંથી બે, ઉત્તરપ્રદેશ અને ઝારખંડમાંથી એક એક બટાલિયન પરત ખેંચવામાં આવનાર છે. આ રાજ્યોમાંથી સીઆરપીએફ બટાલિયનોને પરત ખેંચવાના નિર્ણયને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. છત્તીસગઢમાં વધુ બટાલિયનોની જરૂર હોવાનો મુદ્દો ઉઠી રહ્યો હતો. છત્તીસગઢમાં માઓવાદી ગઢમાં આ જવાનો હવે ગોઠવવામાં આવી રહ્યા છે. માઓવાદીઓ સામે સૌથી મોટુ ઓપરેશન હાથ ધરવાની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે.
ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ ઉપર સ્થિતિ દક્ષિણી બસ્તરમાં લેફ્ટ વિંગ બળવાખોરો સૌથી વધુ પડકારરુપ બનેલા છે જેથી આ વિસ્તારમાં સીઆરપીએફની સંખ્યા વધારવામાં આવી રહી છે. સુકમા, દાંતેવાડા, બીજાપુર, કાંકેરમાં સૌથી વધુ ગતિવિધિ માઓવાદીઓની જાવા મળે છે. સીઆરપીએફ દ્વારા નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં મોટાપાયે ઓપરેશન હાથ ધરવા તૈયારી કરી છે. ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લો છે જ્યાં નક્સલીઓ સક્રિય રહ્યા છે.