ઝારખંડમાં સુરક્ષા દળો વચ્ચે ગોળીબારનો મામલો સપાટી પર આવ્યો છે. આ વખતે કેન્દ્રિય રિઝર્વ પોલીસ બળના જવાનો વચ્ચે સામસામે ગોળીબાર થયો છે. આ ગોળીબારની ઘટનામાં બે અધિકારીઓના મોત થયા છે. ગોળીબારની ઘટનામાં અન્ય બે જવાનો ઘાયલ થયા છે. આ પહેલા સાતમી ડિસેમ્બરના દિવસે શનિવારના દિવસે ગુમલામાં ચૂંટણી દરમિયાન ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનુ મોત થયુ હતુ. ગોળીબારની ઘટનામાં માર્યા ગયેલા અધિકારીમાં કમાન્ડેન્ટ રેંકના અધિકારી અને બીજા સહાયક ઇન્સપેક્ટરનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ છે કે બોકારોમાં સીઆરપીએફની ૨૨૬મી બટાલિયનની ચાર્લી કંપનીમાં સોમવારની રાત્રે સાઢા નવ વાગ્યા આ ગોળીબારની ઘટના બની હતી. ઘાયલ થયેલા જવાનો પૈકી એક જવાને આ બનાવને અંજામ આપ્યો હતો. જાણકારી મુજબ સીઆરપીએફના આ એકમના જવાનો ચૂંટણી ડ્યુટી પર તૈનાત હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં છત્તીસગઢના નારાયણપુરમાં ભારત-તિબેટ સરહદી પોલીસના કેમ્પમાં સનસનાટીપૂર્ણ ઘટના બની ગઈ હતી. અહીં એક કોન્સ્ટેબલે પોતાના પાંચ સાથીઓને ગોળીમારી દીધી હતી. મોડેથી હુમલા કરનારે પણ ગોળી મારી દીધી હતી. બનાવને લઇને જવાનોના કેમ્પમાં પણ ખળભળાટ મચી ગયો હતો.
રજાઓને લઇને વિવાદ બાદ આ કમકમાટીભરી ઘટના બની હતી. બસ્તર ક્ષેત્રના પોલીસ મહાનિર્દેશક સુંદર રાજે માહિતી આપતા કહ્યું હતું કે, નારાણયપુર જિલ્લાના કડેનાર ગામમાં સ્થિત આઈટીબીટીના ૪૫મી બટાલિયનની છાવણીમાં જવાનો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. મૃતદેહ, ઘાયલ જવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કડેનાર સ્થિત આઈટીબીટીના આ કેમ્પ નારાયણપુરાથી ૩૫૦ કિમીના અંતરે છે. આઇટીબીટીના જવાન મસુદઉલ રહેમાને સર્વિસ રિવોલ્વરથી સાથી જવાનો ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
મૃત્યુ પામેલા આઈટીબીટીના જવાનોની ઓળખ કરી લેવામાં આવી હતી જેમાં હિમાચલ પ્રદેશના મહેન્દ્રસિંહ, પંજાબના દલજીતસિંહ, પશ્ચિમ બંગાળના સુરજીત સરકાર અને વિશ્વરુપ મહોતો, કેરળના બીજીસ સામેલ છે.