ચંદ્રની ધરતી પર ચંદ્રયાન ૩ના સફળ ઉતરાણે દેશના સામાન્ય નાગરિકોની જેમ સિને સ્ટાર્સને પણ ખુશ કરી દીધાં છે. શાહરૂખ ખાન, રિતિક રોશન, સની દેઓલ, અક્ષય કુમાર સહિત અનેક સ્ટારેસ આ સિદ્ધિ બદલ ઈસરોની ટીમને અભિનંદન આપ્યાં છે. ચંદ્રયાનના સફળ ઉતરાણ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કરનાર પ્રથમ દેશ તરીકેનું ગૌરવ ભારતે હાસલ કર્યું છે. આ સિદ્ધિને બિરદાવતાં અનેક બોલિવૂડ એક્ટર્સે અભિનંદનના મેસેજ અને વીડિયો શેર કર્યા હતા. શાહરૂખ ખાને ફિલ્મી અંદાજમાં જણાવ્યું હતું, ચાંદ તારે તોડ લાઉં… સારી દુનિયા પર મૈં છાઉં. આજે ભારત અને ઈસરો છવાઈ ગય. આપણાં તમામ સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન, જેમણે ભારતને આ ગૌરવ અપાવ્યું. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન ૩નું સફળ ઉતરાણ. અક્ષય કુમારે મિશન મંગલ ફિલ્મમાં ઈસરોના વિજ્ઞાનીનો રોલ કર્યો હતો. અક્ષયે લખ્યું હતું કે, અબજો હૈયાં ઈસરોને થેન્ક યુ કહી રહ્યાં છે. તમે અમને બહુ બધું ગૌરવ અપાવ્યું છે.
ભારતને ઈતિહાસ બનાવતા જોવાની તક અભૂતપૂર્વ છે. ભારત ચંદ્ર પર છે અને અમારા ઈરાદા તો ચંદ્રની પણ પેલે પાર છે. ગદર ૨ના કારણે દેશ-દુનિયામાં છવાયેલા સની દેઓલે લખ્યું હતું કે, ગર્વની અનોખી ક્ષણ, હિન્દોસ્તાન ઝિંદાબાદ થા, હૈ ઔર રહેગા. ઈસરોની સમગ્ર ટીમને અભિનંદન. અવકાશ ક્ષેત્રે ભારતનું ઐતિહાસિક કદમ. રિતિક રોશને પોતાની લાગણીને વ્યક્ત કરતાં કહ્યું હતું, મારું મન ગર્વની લાગણીથી છલકાઈ રહ્યું છે.
ઈસરો અને આ અભિયાનને સફળ બનાવનારા તમામ જીનિયસને સલામ. અભિષેક બચ્ચને આ સમયને ગર્વ અને લાગણીથી તરબતર ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. રાજામૌલિએ આ સફળતાને અભૂતપૂર્વ ગણાવી કહ્યું હતું કે, ખુશીના આંસુ આંખમાંથી નીકળીને ગાલને ભીંજવી રહ્યા છે. ઈસરોને પ્રણામ. આ સાથે વૈશ્વિક સ્તરે ભારતના નવા યુગનો ઉદય થઈ રહ્યો છે. કાજોલ, સંજય દત્ત, રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ મલહોત્રા, અનન્યા પાંડે, આર માધવન, કાર્તિક આર્યન, જાવેદ અખ્તર, અલ્લુ અર્જુન, અનિલ કપૂર સહિત દરેક સેલિબ્રિટીએ આ ધન્ય ક્ષણે ઈસરોની ટીમને બિરદાવી હતી અને ભારતીય હોવા પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિના તાજેતરના એપિસોડમાં ચંદ્રયાન ૩ની સફળતાને બિરદાવતાં સુંદર કાવ્યપઠન કર્યું હતું. ચંદ્રયાનના સફળ ઉતરાણ પૂર્વે તેમણે એક સ્વરચિત કવિતા દ્વારા સમગ્ર ટીમનો ઉત્સાહ વધાર્યો હતો અને સફળતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કલ શામ કો જબ ચાંદ નિકલેગા ના, તો ઉસ ચાંદ કી મિટ્ટી પર હમારે દેશ કે કદમોં કી છાપ હોગી. કલ હમારા ચંદ્રયાન ૩ અપને મામા કે ઘર યાની કી અપને ચંદા મામા કે ઘર પહુંચેગા. કલ હમારે બચપન કે કિસ્સે, કહાનીયોં કા ચાંદ અપને પ્રેમિકા કે ચેહરે કા ચાંદ અપને વ્રત ઔર ત્યૌહારોં કા ચાંદ અપને દેશ કી પહોચ મેં હોદાય યે ઉપલબ્ધિ ઈસ ખેલ કે હર ઉસ ખિલાડી કે લિયે સંદેશ હૈ, કે જિસને ભી અપને દિલ મૈં કુછ કરને કે લિયે ઠાની હૈ, ઈસ દિલને હંમેશા ઉસકી માની હૈ. ચંદ્રયાનની સફળતાની સાથે અમિતાભ બચ્ચનનો આ વીડિયો પણ વાઈરલ થયો હતો.