“સલામત અને સુરક્ષિત ગુજરાત” ના ધ્યેયને સિધ્ધ કરવાની દ્ઢ રાજકીય ઇચ્છાશકિતને કારણે રાજયમાં કોઇપણ ગુનેગાર છટકી શકતો નથી. એટલુ જ નહીં ગુજરાતે ગુંભીર ગુનાઓને ઉકેલ્યા છે. રાજય સરકારે બિટકોઇનના કેસને ગંભીરતાથી લઇને ઝડપથી ગુનેગારો સુધી પહોંચવાના આદેશ કર્યા અને તેના કારણે જ પોલીસ ગણતરીના દિવસોમાં ગુનેગારો સુધી પહોંચી શકી હતી. તેમ ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતુ કે તેઓ સમક્ષ આ અંગેની રજૂઆત થતા તુર્ત જ રાજય સરકારે જ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઇ તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપવા અને ખાસ SIT ની પણ રચના કરી પોલીસ અધિકારી હોઇ કે અન્ય કોઇ ચમરબંધી કોઇની પણ શેહશરમમાં આવ્યા સિવાય ગુનેગારોને જબ્બે કરવા આદેશ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દ્ઢ રાજકીય ઇચ્છાશકિતને કારણે જ ગુજરાતની પોલીસ આ ગુનાને ઉકેલવા સક્ષમ બની છે.
સમગ્ર બનાવની વિગત જોઇએ તો ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ અરજદાર શૈલેષ ભટ્ટે ગૃહમંત્રીશ્રી જાડેજાને સંબોધીને અમરેલી પોલીસ વિરૂધ્ધમાં અપહરણ કરી, બળજબરીથી ૨૦૦ બિટકોઇન તથા કરોડો રૂપિયા પડાવી લીધા હોવાના આક્ષેપ સાથે અરજી કરી હતી, જેથી રાજય સરકારે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ, આ અરજીની ઊંડાણપુર્વક તપાસ કરવા સી.આઇ.ડી. ક્રાઇમને આદેશ કર્યો હતો.
સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા ઊંડાણપુર્વકની તપાસ દરમ્યાન જણાયું હતું કે, આ બનાવમાં અમરેલી જીલ્લાના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓની સીધી સંડોવણી હોય, આ બાબતે ગૃહમંત્રીને તેમજ મુખ્ય ડી.જી.પી.ને વાકેફ કરવામાં આવ્યા હતા ત્યારે ગૃહમંત્રીએ કોઇની પણ શેહશરમ વિના ત્વરીત ગુન્હો દાખલ કરવા ઉપરાંત નિષ્પક્ષપણે તપાસ થાય તે માટે એક ખાસ તપાસ દળ(SIT) ની રચના કરવા આદેશ આપ્યો હતો.
રાજય સરકારે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ દ્ઢ રાજકીય ઇચ્છાશકિત દાખવીને ઝડપથી પગલાં ભરવા આદેશ આપ્યા હતા. સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા રાજય સરકાર તરફે વર્ગ-૧ કક્ષાના ડી.વાય.એસ.પી. અધિકારીને ફરીયાદી બનાવી,આ ગુન્હાની તપાસ ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીને સોપાઇ હતી તેમજ ખાસ તપાસ દળ (SIT) ના અધ્યક્ષ તરીકે ડી.આઇ.જી.પી. દરજ્જાના અધિકારીની નિમણુંક કરી, ડી.જી.પી.શ્રી સી.આઇ.ડી. ક્રાઇમના માર્ગદર્શન હેઠળ તપાસનો દોર ચાલુ કર્યો હતો.
આ ગુનાની તપાસ દરમ્યાન અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક તથા માજી ધારાસભ્યની સંડોવણી જણાઇ આવતાં, ગૃહમંત્રીએ કોઇપણ પ્રકારના પક્ષપાત વગર નિષ્પક્ષ રીતે તપાસ કરી, આ ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, સખ્ત પગલાં લેવાની સુચના આપી હતી અને તેના કારણે ગુન્હામાં સંડોવાયેલા અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક તથા એલ.સી.બી. પી.આઇ.ની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી એટલું જ નહી આ ગુન્હાના નાસતા ફરતા આરોપી માજી ધારાસભ્ય નલિન કોટડીયા વિરૂધ્ધ CrPC કલમ ૭૦ મુજબ ધરપકડ વોરન્ટ મેળવી, આરોપી કોટડીયાને શોધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૈાથી મહત્વની બાબત એ છે કે, શૈલેષ ભટ્ટની અરજીની તપાસ દરમ્યાનન એવી પણ હકિકત બહાર આવી હતી કે, શૈલેષ ભટ્ટે ૩૦ જાન્યુઆરી,૨૦૧૮થી ૦૧ ફેબ્રુઆરી,૨૦૧૮ દરમ્યાનમાં સુરતના રહેવાસી પિયુષ સાવલીયા તેમજ ધવલ માવાણીનું અપહરણ કરી, ધવલ માવાણી પાસેથી ખંડણી પેટે કુલ- ૨૨૫૬ બિટકોઇન તેમજ ૧૧૦૦૦ લાઇટ કોઇન તેમજ ૧૪.૫૦ કરોડ રોકડા રૂપિયા બળજબરીથી પડાવી તેને ધમકીઓ આપી વિદેશ મોકલી દીધો હતો. આ બાબતે ગૃહમંત્રીએ શૈલેષ ભટ્ટ તથા તેના સાગરીતો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની સુચના પણ આપી હતી.
આ કેસમાં પિયુષ સાવલીયા તથા ધવલ માવાણીનું અપહરણ કરી, કુલ રૂપિયા ૧૫૦ કરોડ ઉપરાંતના બિટકોઇન/નાણાં શૈલેષ ભટ્ટ તથા તેના સાગરીતોએ બળજબરીથી પડાવી લેવાના કેસમાં દિલીપ કાનાણી તથા નિકુંજ ભટ્ટની પોલીસે ૨૦ મે, ૨૦૧૮ના રોજ ધરપકડ કરી, પોલીસ રીમાન્ડ મેળવી, સઘન પુછપરછ હાથ ધરી છે. તેમજ કુલ- ૧૫૨ બિટકોઇન આરોપી દિલીપ કાનાણી પાસેથી ટાંચમાં લેવામાં આવ્યા છે.
આ ગુન્હાની તપાસ દરમયાન એવી હકિકત ફલિત થયેલ છે કે, નોટબંધી દરમ્યાન બિટકોઇનમાં મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનું રોકાણ થયું છે. જે બાબતે રોકાણકારો વિરૂદ્ધ એન્ફોર્મેન્ટ ડાયરેક્ટર તથા ઇન્કમટેક્ષ વિભાગને જાણ કરી, કાળા નાણાં રોકનારા ઇસમો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા રાજય સરકારે આદેશ કર્યા છે એટલું જ નહીં મધ્યમવર્ગના રોકાણકારો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી ક્રિપ્ટો કરન્સીની મલ્ટીલેવલ માર્કેટીંગ જેવી જુદી જુદી પોન્જી સ્કીમો શરૂ કરી, લોકોના કરોડો રૂપિયા ઉઘરાવી લઇ, નાણાં પરત નહી આપનારી કંપનીઓ સામે ભોગ બનનાર ફરીયાદ કરે તો આવી પોન્જી સ્કીમો ચલાવનાર ઇસમો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા પણ રાજય સરકારે સુચના આપી છે.