અમદાવાદ : વડોદરાના ગોત્રી-સેવાસી રોડ પર આવેલા વિલાના ક્લબ હાઉસના સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કરતી આઠ મહિલાઓનો બંગલાની ગેલરીમાંથી વીડિયો ઉતારતા કોમ્પ્યુટર વેપારી એવા આરોપી આકાશ પટેલની ગોત્રી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપી આકાશ પટેલની સામે છેડતી સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આકાશ પટેલની માનસિક વિકૃતતાને લઇ ચોતરફથી તેની પર ફિટકાર વરસી રહ્યો છે. બીજીબાજુ, પોલીસે આકાશ પટેલના મોબાઇલ અને અન્ય પુરાવાઓની વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી છે. સ્વીમીંગ પુલમાં રોજ સ્વીમીંગ માટે આવતી મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પરિણામે, મહિલાઓએ પોલીસને આ મામલે અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. સમગ્ર વિવાદ વકરતાં આખરે પોલીસે આરોપી આકાશ પટેલની ધરપકડ કરી સપાટો બોલાવ્યો હતો. વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પરના વિલાના ક્લબ હાઉસમાં આવેલા લેડીઝ-જેન્ટસ સ્વીમીંગ પુલ આવેલો છે.
વિલામાં રહેતી મહિલાઓ રોજ સાંજે સ્વીમીંગ કરવા જાય છે. સ્વીમીંગ પુલની પશ્ચિમ દિશાએ અર્થ સોમનાથ સોસાયટીનો બંગલા નં-૭૮ આવેલો છે. આઠ મહિલાઓ રવિવારે સાંજે સ્વીમીંગ પુલમાં સ્નાન કરી રહી હતી, ત્યારે બંગલા નં-૭૮માં રહેતો આકાશ પટેલ પહેલાં માળની બાલ્કનીમાં શર્ટ કાઢી અર્ધનગ્ન અવસ્થામાં ઉભો રહી સ્વીમીંગ કોસ્ચુમ પહેરેલી મહિલાઓનું મોબાઇલમાં ફોટા અને વીડિયો શૂટિંગ કરી અશ્લીલ હરકતો કરતો હતો. ક્લબ મેનેજરે પણ વીડિયો શુટિંગ કરતાં આકાશનો વીડિયો ઉતારી લીધો હતો. મહિલાઓએ તેને ફોટા કેમ પાડો છો કહી ઠપકો આપતાં આકાશે મહિલાઓને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. બીજીબાજુ, મહિલાઓએ પણ ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી આકાશ પટેલની આજે ધરપકડ કરી લીધી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આકાશ પટેલના બંગલા અને વિલાની વચ્ચે ૧૫થી ૨૦ ઝાડ હતાં. ઝાડના કારણે તેને બાજુના વિલામાં આવેલા સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાઓ દેખાતી ન હતી. જેના કારણે લાંબા સમયથી આકાશ આ વૃક્ષોને દૂર કરવાની વેતરણમાં હતો.
ઝાડના કારણે તેના બંગલાના કમ્પાઉન્ડમાં કચરો પડે છે, ગંદકી થાય છે તેવા બહાના કાઢી આકાશે આ ઝાડ કપાવી નાખ્યા હતા. ઝાડ દૂર થતાં જ ગેલરીમાંથી ઝાંખવાનું તેને ખુલ્લુ મેદાન મળી ગયું હતું. વિલામાં રહેતી ૧૦થી વધુ મહિલાઓ સોમવારે સાંજે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આકાશ પટેલની સામે અરજી આપી આકાશ પટેલ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આખરે આકાશ પટેલને પોલીસે આજે સકંજામાં લઇ લીધો હતો. આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.