અમદાવાદ: પંચમહાલમાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવાર ત્રાહિમામ પોકારી ગયો છે. ૧૦ લોકોના આ ગરીબ પરિવારે સ્થાનિક જિલ્લા કલેક્ટર સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જિલ્લા કલેક્ટરને લેખિતમાં આ અંગે જાણ કરી છે.
સમગ્ર પરિવાર દ્વારા ઇચ્છામૃત્યુની માંગણી બાદ મચેલા ઉહાપોહ અને વિવાદ બાદ પોલીસ અને જિલ્લા કલેકટોરેટ તંત્રએ સમગ્ર મામલામાં હવે ઝીણવટભરી તપાસ આરંભી છે. બીજીબાજુ, પરિવારજનોએ અત્યારસુધી આ મામલામાં પોલીસ કે તંત્ર તરફથી કોઇ જ રાહત કે આશ્વાસન મળ્યુ નહી હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. જેને લઇ હવે આ પ્રકરણમાં મામલો ગરમાયો છે.
આ પ્રકરણની વિગત એવી છે કે, પંચમહાલ જિલ્લાના પીડિત પરિવારના બીજા નંબરના પુત્રએ વ્યાજખોરો પાસેથી રૂ.૩૦ લાખ વ્યાજે લીધા હતા. રૂપિયા ૩૦ લાખના ૩૦ ટકાનાં વ્યાજ સહિતની એક કરોડની રકમ થતી હોવાનો આવેદનપત્રમાં પરિવારે ઉલ્લેખ કર્યો છે.
વ્યાજખોરો પર પરિવારે વ્યાજખોરો દ્વારા તેમના પરિવારના સભ્યો સાથે મારામારી, લૂંટ અને સ્ત્રી સાથે અશ્લીલ હરકતના ગંભીર આરોપો પણ લગાવ્યા છે. કલેક્ટરને અપાયેલી અરજીમાં પરિવારને કોઈપણ પ્રકારની કાયદાકીય મદદ ન મળતી હોવાના આરોપ સાથે સામુહિક આત્મહત્યા કરવાની માંગ કરાઇ છે. સગીર બાળકોની સરકાર સાર સંભાળ કરે તેવી માંગ પરિવારે કરી છે. બીજીબાજુ, પીડિત પરિવારનો વ્યાજે રૂપિયા લેનાર પુત્ર છેલ્લા ૮ મહિનાથી લાપતા હોવાછતાં પોલીસે તેને શોધવાના કે ભાળ મેળવવાના કોઇ પ્રયાસો કર્યા નથી.
ઉલ્લેખનીય છે કે, પીડિત પરિવારના પુત્રએ થોડા વર્ષો પહેલા વ્યાજે પૈસા લીધા હતા ધીમે ધીમે દેવું વધી જતા પરિવારનો પુત્ર ફરાર થઇ ગયો હતો. વ્યાજખોરો તરફથી સતત માનસિક દબાણ આપવામાં આવી રહ્યુ છે. પરિવારને આ અંગે કોઇજ જાણ ન હતી કે તેમના પુત્રએ આટલી મોટી રકમ વ્યાજે લીધી છે. અંતે કંટાળીને આ પરિવારે કલેકેટર કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. જેમા એક કરોડથી પણ વધારે રૂપિયા હોવાનો ખુલાસો થયો છે. જો કે, સમગ્ર પરિવારના સભ્યોએ એકસાથે ઇચ્છામૃત્યુની માંગણી કરતાં ભારે ચકચાર મચી ગઇ છે.