અમદાવાદ : ફતેવાડીમાં રહેતી અને મસ્કતની યુવતી પાસે તેના પતિએ જબરદસ્તી સ્ત્રીબીજ ડોનેટ કરાવ્યાં હોવાનો કિસ્સો સામે આવતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. આરોપી પતિનું દેવું વધી જતાં તે પોતાની પત્ની પાસે વડોદરા અને રાજસ્થાન લઇ જઇને સ્ત્રીબીજ ડોનેટ કરાવતો હતો. ચોંકાવનારી વાત તો એ હતી કે, પત્નીને ગુજરાતી ભાષા બોલતા અને લખતા આવડતું નહી હોઇ આરોપી પતિ અફઝલખાન પઠાણે તેની ગુજરાતીમાં છૂટાછેડા કરાર પર સહીઓ લઇ છૂટાછેડા આપી દીધા હતા. આખરે પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે સરખેજ પોલીસે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
ચકચારભર્યા આ બનાવની વિગત એવી છે કે, શહેરના ફતેવાડી પાસે આવેલ આલિશા રેસિડન્સીમાં રહેતી અને મસ્કતની રહેવાસી ફરાજહખાન પઠાણે સરખેજ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધમાં જબરદસ્તી સ્ત્રીબીજ ડોનેટ કરાવવા તેમજ માનસિક અને શારીરિક ત્રાસ આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, ફરાજહખાનનાં વર્ષ ર૦૧૦માં મુંબઇમાં રહેતા અફઝલખાન આરીફખાન પઠાણ સાથે લગ્ન થયાં હતાં. લગ્ન બાદ અફઝલખાન અને તેની માતા અવારનવાર ફરાજહખાન પાસેથી રૂપિયા માગતાં હતાં અને માનસિક અને શારીરિક ત્રાસ આપતાં હતાં. ફરાજહખાન તેનાં બે બાળકો અને પતિ અફઝલખાનને લઇ અમદાવાદ આવી ગઇ હતી, જ્યાં તે ફતેવાડી વિસ્તારમાં તેની માતાના ફ્લેટમાં રહેતી હતી.
અફઝલખાન કામધંધો કરે તે માટે તેને રિક્ષા પણ અપાવી હતી, ફરાજહખાનની માતાનું બે વર્ષ પહેલાં મૃત્યુ થતાં તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. અફઝલખાન તેના મિત્રો પાસેથી કોઇ પણ બહાનું કાઢીને રૂપિયા લાવતો હતો. મિત્રોએ આપેલા રૂપિયાથી અફઝલ તેનું ઘર પણ ચલાવતો હતો, જોકે દેવું વધી જતાં તેણે ફરાજહખાન પાસે સ્ત્રીબીજ ડોનેટ કરાવવાની વાત કરી હતી. ફરાજહખાને સ્ત્રીબીજ ડોનેટ કરવાનો ઇનકાર કરી દેતાં તેને સ્ત્રીબીજ ડોનેટ કરવા માટે મજબૂર કરી હતી. અમદાવાદ, વડોદરા સહિત ઉદયપુર, અજમેર જઇને અફઝલે તેની પત્નીનાં સ્ત્રીબીજ ડોનેટ કરાવ્યાં હતાં.
સ્ત્રીબીજ ડોનેટ કર્યા બાદ જે રૂપિયા આવતા હતા તેનાથી દેવું ચૂકતે કરતો હતો. ફરાજહખાનના જણાવ્યા અનુસાર ૧પ હજાર રૂપિયાથી લઇને રપ હજાર રૂપિયા સ્ત્રીબીજ ડોનેટના મળતા હતા. ફરાજહખાનને ગુજરાતી ભાષા બોલતાં અને લખતાં આવડતું નથી, તે માત્ર અરબી ભાષા જાણે છે. અફઝલે ગુજરાતીમાં છૂટાછેડા કરાર બનાવીને તેની સહીઓ કરાવી લીધી હતી. સરખેજ પોલીસે આ મામલે અફઝલ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.