નવીદિલ્હી : વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ બનેલી છે. એકબાજુ દેશભરમાં પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે મેચ નહીં રમવા લોકોની માંગ ઉઠી રહી છે. મોદી સરકાર પણ કહી ચુકી છે કે, પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાની બાબત બિલકુલ યોગ્ય દેખાતી નથી. આવી સ્થિતિમાં પરોક્ષરીતે બીસીસીઆઈએ પાકિસ્તાન સાથે મેચ રમવાનો નિર્ણય મોદી સરકાર ઉપર છોડી દઇને મેચ રમાશે નહીં તેવો સંકેત આપી દીધો છે. અલબત્ત હજુ ત્રણ મહિનાનો સમય છે. સ્થિતિ હળવી બની શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ચોક્કસપણે સાફ શબ્દોમાં કહ્યું છે કે, લોકોની માંગ મુજબ પાકિસ્તાન સામે મેચ રમવામાં નહીં આવે તે બાબત સાથે તેઓ સહમત છે.
ગંભીર ચર્ચા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ અંગેનો નિર્ણય સરકાર ઉપર છોડી દીધો છે. સીઓએના પ્રમુખ વિનોદ રાયે કહ્યું છે કે, પાકિસ્તાનની સાથે ક્રિકેટ રમવાને લઇને અમે સરકાર સાથે મળીને ચર્ચા કરીશું. હાલમાં ત્રણ મહિનાનો ગાળો છે જેથી ગંભીર ચર્ચા બાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે. જા કે રાયે કહ્યું હતું કે, આતંકવાદને પ્રોત્સાહન આપનાર દેશની સાથે ભવિષ્યમાં સંબંધો નહીં રાખવાને લઇને પોતાની ચિંતા બોર્ડ આઈસીસીને પત્ર લખીને જાણ કરશે. ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન સાથે રમવાને લઇને નિર્ણય માટે આજે સીઓએની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક બાદ સીઓએના પ્રમુખે કહ્યું હતું કે, આ મામલામાં નિર્ણય સરકારની સાથે વિચારણા કર્યા બાદ લેવામાં આવશે. હજુ ત્રણ મહિનાનો ગાળો રહેલો છે. રાયે કહ્યું હતું કે, હજુ નિર્ણય લેવામાં આવે તે બાબત યોગ્ય દેખાતી નથી.
આઈસીસીને પાકિસ્તાન સાથે જાડાયેલી ચિંતાને લઇને વાકેફ કરવામાં આવશે. આતંકને સમર્થન આપનાર દેશોની સાથે ભવિષ્યમાં સંબંધ જાળવી રાખવામાં આવશે નહીં. બીસીસીઆઈના સીઓએની બેઠકમાં પુલવામા હુમલાના શહીદોના પરિવારને સહાયતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિનોદરાયે કહ્યું હતું કે, અમે નિર્ણય કરી ચુક્યા છે કે, આઈપીએલની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે નહીં. આનાથી જે પૈસા મળશે તેને પૈસા શહીદોના પરિવારને બીસીસીઆઈ તરફથી આપવામાં આવશે. પુલવામા હુમલા બાદ દેશભરમાં વર્લ્ડકપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરવાની માંગ થઇ રહી છે. અનેક પૂર્વ ખેલાડીઓ પણ આ અંગેની વાત કરી ચુક્યા છે જેમાં હરભજનસિંહ, સૌરવ ગાંગુલી, અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ સીધીરીતે નિર્ણય સરકાર ઉપર છોડી દીધો છે. વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાનની સામે ૧૬મી જૂનના દિવસે માન્ચેસ્ટરમાં મેચ રમશે. આ મેચ ઉપર હાલ શંકાના વાદળો ઘેરાયેલા છે. કારણ કે, પુલવામા હુમલા બાદ દેશના લોકો આ મેચ ન રમાય તેમ ઇચ્છે છે.