અમદાવાદ : શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસમાં ફરજ બજાવતા અને ચાંદખેડા વિસ્તારમાં રહેતા હેડ કોન્સ્ટેબલે આજે વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રસોઇ બાબતે થયેલી સામાન્ય તકરારમાં લાગી આવતાં આત્મહત્યા કરી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. બીજીબાજુ, હેડ કોન્સ્ટેબલની આત્મહત્યાના સમાચારને પગલે સમગ્ર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ચાંદખેડા રેલવે સ્ટેશન પાછળ આવેલી મહિપાલનગર સોસાયટી વિભાગ ૧માં જગદીશભાઈ પરમાર (ઉ.વ.૪૬) તેમનાં પત્ની, ૧૬ વર્ષની પુત્રી અને ૧૫ વર્ષીય પુત્ર સાથે રહેતા હતા. જગદીશભાઈ ગુજરાત પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા અને શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસમાં આવેલી સીપી રીડર શાખામાં ફરજ બજાવતા હતા.
ગઈકાલે સાંજે નોકરીએથી તેઓ ઘરે પરત આવ્યા હતા. ઘરે પત્ની સાથે રસોઈ બનાવવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ જમી પરવારી ઘરના તમામ સભ્યો પોતાના રૂમમાં જઈ સુઈ ગયા હતા. આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ જગદીશભાઈ પોતાના રૂમમાં પંખે ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશને પી.એમ માટે મોકલી આપી હતી. રસોઈ બનાવવા બાબત જેવી સામાન્ય બાબતે મનમાં લાગી આવતાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જગદીશભાઈના ભાઈ પણ પોલીસમાં જ હોવાનું જાણવા મળ્યું છે. ચાંદખેડા પોલીસે આપઘાત પાછળનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. જા કે, હેડ કોન્સ્ટેબલની આત્મહત્યાના સમાચારને પગલે પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.