વાયનાડ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારીપત્ર દાખલ કર્યા બાદ રાહુલે કહ્યું હતું કે, તેઓ પોતાના સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિાયન સીપીએમની સામે એક શબ્દનો પણ ઉપયોગ કરશે નહીં. રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલાક વર્ગોમાં તેમના નિર્ણયને લઇને વિપક્ષી એકતા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. કેરળના ડાબેરીઓએ પ્રહારો કરવાની શરૂઆત કરી દીધી હતી. રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેઓ સીપીએમના તેમના ભાઈ અને બહેનોની સામે કોઇ નિવેદન કરશે નહીં.
રાહુલે આ નિવેદન કરીને ખેંચતાણને દૂર કરવાના પ્રયાસ કર્યા છે. વાયનાડમાંથી ચૂંટણી લડવાના રાહુલના નિર્ણય બાદ ડાબેરીઓ સાથે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. હવે રાહુલે આ નિવેદન કરીને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, તેઓએ હજુ પણ સીપીએમ માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. રાહુલની ઉમેદવારીના પરિણામ સ્વરુપે ડાબેરીઓની અંદર ખેંચતાણ વધી ગઈ હતી. આમાં સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી એકલા પડી ગયા હતા.
રાહુલ ગાંધી માટે હળવું વલણ અપનાવવાના પરિણામ સ્વરુપે સીતારામ યેચુરી એકલા દેખાઈ રહ્યા હતા. યેચુરીએ કહ્યું હતું કે, ડાબેરીઓએ ચૂંટણીના સમયમાં કોઇપણ પ્રકારના વિવાદમાં પડવાના બદલે એક સમાન વિચારધારાવાળા પક્ષો સાથે તાલમેલ બેસાડવાની જરૂર છે. ભાજપને પરાજિત કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય હોવો જાઇએ. આના માટે બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના પ્રયાસ કર્યા હતા. કેરળમાં પણ નરમ દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. યેચુરીએ કોંગ્રેસની સાથે બેઠકોની વહેંચણીને લઇને કોઇ જાહેરાત કર્યા વગર જ છ સીટો છોડી દીધી છે. બીજી બાજુ ડાબેરીઓ રાહુલને લઇને નાખુશ દેખાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, જમીન પર ચૂંટણી કઈરીતે લડવામાં આવે છે તે હવે રાહુલને સમજાવીશું.