રાહુલને વચગાળાની રાહત આપવા કોર્ટનો સાફ ઇન્કાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસ અને યંગ ઇન્ડિયા મામલામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આજે કોઇપણ રાહત આપવાનો દિલ્હી હાઈકોર્ટે ઇન્કાર કરી દીધો હતો. રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ અને યંગ ઇન્ડિયા વચ્ચે લેવડદેવડ સાથે જોડાયેલા ટેક્સ મુલ્યાંકનની ફાઇલને ફરી ખોલવાના આદેશને પડકાર ફેંકીને અરજી કરી હતી પરંતુ આની નોંધ લેવાઈ ન હતી. રાહુલ ગાંધીના વકીલોએ કોર્ટને આગ્રહ કર્યો હતો કે આ મામલા સાથે જોડાયેલા મીડિયા કવરેજ પર પણ પ્રતિબંધ મુકવામાં આવે.

રાહુલ ગાંધીના વકીલોએ તર્કદાર દલીલો કોર્ટમાં રજૂ કરી હતી. રાહુલના વકીલો તરફથી કરવામાં આવેલી રજૂઆતની કોર્ટે નોંધ લીધી હતી પરંતુ ન્યાયમૂર્તિ એસ રવીન્દ્ર ભટ્ટ અને ન્યાયમૂર્તિ એકે ચાવલાની પીઠે આ આગ્રહને પણ ફગાવી દીધો હતો. આ મામલે વધુ સુનાવણી ૧૪ ઓગસ્ટે હાથ ધરાશે. રાહુલ ગાંધીને આવકવેરા વિભાગે આ વર્ષે માર્ચમાં નોટિસ આપીને ૨૦૧૧-૧૨ દરમિયાન ટેક્સ રી-એસેસમેન્ટ કરવા માટે કહ્યું હતું. આવકવેરા વિભાગની દલીલ છે કે, રાહુલ ગાંધીએ યંગ ઈન્ડિયાની ડાયરેક્ટરશિપ વિશે જાણકારી આપી ન હતી. બીજીતરફ રાહુલ ગાંધીના વકીલનું કહેવું છે કે કોઇ આવક થઈ નથી, અને કોઇ ટેક્સ આપવાનો થતો નથી.

એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મેહતા દ્વારા આ મામલામાં કોઇ વચગાળાનો આદેશ આપવાના ગાંધીના વકીલોની રજૂઆતનો વિરોધ કરવામાં આવ્યો. આવકવેરા વિભાગ અનુસાર ગાંધીની આવકનું વર્ષ ૨૦૧૧-૧૨ માટે ફરીથી અંદાજ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેવું એટલા માટે કરવામાં આવ્યું, કારણ કે તેમણે એ વાતનો ખુલાસો કર્યો ન હતો કે તે ૨૦૧૦થી યંગ ઈન્ડિયન કંપની પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર હતા.

Share This Article