નવી દિલ્હી : નરેન્દ્ર મોદીએ આજે સાંજે ૭ વાગે તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સતત બીજી વખત દેશના વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. આ હાઇ પ્રોફાઇલ શપથવિધી વેળા કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. શપથવિધીને લઇને સુરક્ષા જવાનોએ તેમની તમામ તૈયારી પહેલાથી જ કરી લીધી હતી. હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. જેમાં દિલ્હી પોલીસ, અર્ધ લશ્કરી દળ અને એનએસજી કમાન્ડોનો સમાવેશ થાય છે.
જમીનથી લઇને આકાશ સુધીની સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવનની આસપાસ અભૂતપૂર્વ સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. દિલ્હીમાં હાઇ એલર્ટની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. નામ જાહેર નહી કરવાની શરતે એક સુરક્ષા અધિકારીએ કહ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં જેટલી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે છે તેટલી જ સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. આ વખતે બિમ્સટેક દેશોના વડાઓ શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા.
૨૦૧૪માં સાર્ક દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ વખતે બિમ્સટેક દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. વડાપ્રધાનની ઓફિસ નોર્થ બ્લોક, સાઉથ બ્લોક જેવી નજીકની ઇમારતો ખાતે પહેલાથી અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી રાષ્ટ્રપતિ ભવનની ઉપર અવકાશમાં નો ફ્લાય ઝોનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સુરક્ષા સંસ્થાઓ કોઇ પણ તક લેવા માંગતા ન હતા. કોઇ રડારમાં ન દેખાતા નાના વિમાનોને લઇને સુરક્ષા સંસ્થા સાવધાન રહી હતી.