ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી ડારી : જનજીવન પર અસર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં ભારે હિમવર્ષા  આજે સતત ત્રીજા દિવસે જારી રહી છે. ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે હાલત કફોડી બનેલી છે. તાપમાનમાં હજુ પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. બીજી બાજુ ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં વરસાદના કારણે જનજીવન પર માઠી અસર થઇ છે. મેદાની ભાગોમાં પણ પારો ખૂબ નીચે પહોંચી ગયો છે. ખરાબ હવામાનના લીધે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક  ફ્લાઈટો રદ કરાઈ છે. કેટલીક ફ્લાઈટોમાં વિલંબ થયો છે.  હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ફરી ભારે હિમવર્ષા થઈ છે. તમામ જગ્યાઓએ માઈનસમાં તાપમાન પહોંચી ગયું છે.મનાલીમાં વરસાદની સાથે સાથે હિમવર્ષા થઈ છે.

ચારે બાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. મનાલીથી આગળ જતા રસ્તા ઉપર બરફની ચાદર છવાઈ ગઈ છે. લાહોલ અને સ્પિતી, કુલુ, સિમલા, ચંબામાં હિમવર્ષા થઈ છે. આગામી બે દિવસ દરમિયાન પણ હિમવર્ષા જારી રહી શકે છે. લોકો અને પ્રવાસીઓને ઉંચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. સિમલા, નારકંડા, દલહોજીમાં પણ મધ્યથી ભારે હિમવર્ષા થઈ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની સાથે સાથે હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારો હિમવર્ષાના કારણે ઠંડાગાર થયા છે. લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચી જતા પાણીના સોર્સ બરફમાં ફેરવાઈ ગયા છે.દેશના વિવિધ ભાગોમાં  ઠંડીથી બચવા માટેના દરેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.હિચમાલ અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર અન્યત્ર પણ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના ડિરેકટર વિક્રમસિંહના કહેવા મુજબ તોફાન દહેરાદુન, હરિદ્વાર, નૈનિતાલ, ઉધમસિંહ નગરમાં ત્રાટકી શકે છે. આ ગાળા દરમિયાન નુકસાન થવાની પણ શક્યતા છે. જમ્મુ કાશ્મીરના ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે જેના પરિણામ સ્વરુપે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે. આવી જ રીતે હિમાચલમાં પણ હાલત કફોડી બનેલી છે. તમામ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ છે. સિમલા, મંડી, કુલ્લુમાં ભારે હિમવર્ષા થઇ છે. તાપમાનમાં વધારો થયો હોવા છતાં પંજાબ અને હરિયાણામાં પણ કાતિલ ઠંડી લોકો અનુભવી રહ્યા છે.

Share This Article