ગાંધીનગર નજીક ડભોડા પંથકમાં રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારીને ગર્ભવતી કરી દેતા સગીરા માનસિક રીતે પડી ભાગી હતી અને આપઘાત કરી લીધો હતો. જે કેસ ગાંધીનગર બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને 10 વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે જિલ્લાના ડભોડા પંથકમાં રહેતી સગીરાને કલોલના મુબારકપુર ગામમાં રહેતા યુવાન નીરવ ઉર્ફે ગીજુ શૈલેષભાઈ પટેલ દ્વારા પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને તેણી સાથે શરીર સંબંધ રાખીને બે મહિનામાં ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો. જેના પગલે આ સગીરા માનસિક તણાવમાં આવી ગઈ હતી અને આપઘાત કરી લીધો હતો. જે સંદર્ભે ડભોડા પોલીસ મથકમાં સગીરાના વાલી દ્વારા યુવાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
જે કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજm એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ પંડયા દ્વારા ફરિયાદી અને સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. તેના આ કૃત્યને કારણે સગીરાને પોતાનો જીવ આપવાનો વારો આવ્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જાેઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના આરોપી નીરવ ઉર્ફે ગીજુ શૈલેષભાઈ પટેલને 10 વર્ષની સખત કેદીની સજા ફટકારવામાં આવી હતી તેમજ 15 હજાર રૃપિયા નો દંડ પણ કરવામાં આવ્યો હતો.