રાજસ્થાનના ઉદયપુરમાં અસામાજિક તત્વોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની મૂર્તિને તોડીને ફેંકી દીધી અને તેની જગ્યાએ ત્યાં દેવી માતાની મૂર્તિ સ્થાપિત કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ગ્રામીણો અને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આક્રોશ નિર્માણ થઇ ગયો. અસામાજિક તત્વો તરફથી તોડવામાં આવેલી પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આ મૂર્તિ અનેક વર્ષોથી સ્થાપિત હતી. આની સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસે ત્યાંથી માતાજીની મૂર્તિ હટાવીને ઉદ્યાનને સીલ કરી દીધો છે. પોલીસ આરોપીઓને શોધી રહી છે, પણ અત્યાર સુધી તેમની કોઈ માહિતી મળી નથી.
પોલીસ અનુસાર, ઘટના ઉદયપુરના માવલી તાલુકાના ઘાસા પોલીસ સ્ટેશનના રખ્યાવલ ગામની છે. ત્યાંના સંજય ઉદ્યાનમાં વર્ષ ૧૯૮૫મા હનુમાન પ્રસાદ પ્રભાકર દ્વારા ઇન્દિરા ગાંધીની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી . ત્યાર બાદ પ્રતિ વર્ષ સંજય ઉદ્યાનમાં ઇન્દિરા ગાંધી એકતા મેળાનું પણ આયોજન કરવામાં આવતું હતું. શુક્રવારે રાતે અજાણ અસામાજિક તત્વોએ આ મૂર્તિને તોડીને ફેંકી દીધી અને તેના નીચે લાગેલી પ્લેટને પણ તોડવાનો પ્રયત્ન કર્યો.
અસામાજિક તત્વોએ ઇન્દિરા ગાંધીની મૂર્તિની જગ્યાએ ત્યાં માતાજીની મૂર્તિને સ્થાપિત કરી હતી. માતાજીની જે મૂર્તિ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે, તે હાલમાં જ નવરાત્રી દરમિયાન વિસર્જિત કરવામાં આવી હતી. શનિવારે સવારે જ્યારે આની માહિતી ગામના પૂર્વ સરપંચ તુલસીરામ ડાંગી મળી, ત્યારે તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે કોંગ્રેસના અન્ય જનપ્રતિનિધિઓને આની માહિતી આપી હતી. આ દરમિયાન ત્યાં ગ્રામીણો ભેગા થઇ ગયા. સૂચના મળતા જ ઘાસા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને સંજય ઉદ્યાનને સીલ કરી દીધું. ઉદયપુર એસપી વિકાસ શર્માએ આ મામલાને ગંભીરતાથી લીધી છે. વિકાસ શર્માનું કહેવું છે કે, પોલીસ કેસ નોંધાવીને આરોપીઓના શોધમાં લાગી ગઈ છે.
ઇન્દિરા ગાંધીની મૂર્તિને તોડીને લગાવવામાં આવેલી બીજી મૂર્તિને હટાવી દેવામાં આવી છે. જલદી જ પહેલાની જેમ ફરીથી ઇન્દિરા ગાંધીની મૂર્તિ સંજય ઉદ્યાનમાં લગાવી દેવામાં આવશે. ગામના પૂર્વ સરપંચ તુલસીરામ ડાંગી અને ગ્રામીણોની પણ આ જ માગ છે કે, આરોપીઓની જલદી જ ધરપકડ થાય અને ઇન્દિરા ગાંધીની મૂર્તિ સન્માન સહિત પુનઃ સંજય ઉદ્યાનમાં લગાવવામાં આવે