મુંબઈ : એક વાત સૌ કોઈ જાણે છે કે, મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં જ રાજ ઠાકરેએ મરાઠી ભાષાને લઈને આંદોલન કરવાનું આહ્વાન કર્યું હતું, અનેક જગ્યાએથી અત્યાચારના સમાચાર આવ્યા બાદ તેમણે ખુદ આંદોલન પરત લેવાની અપીલ કરી છે. હવે મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમાજમાં ખાણી-પીણીને લઈને વિવાદ થયો છે. આરોપ છે કે, ગુજરાતી પરિવારે એક મરાઠી પરિવારને ગંદો કહી દીધો હતો. મળતી માહિતી મુજબ નોનવેજ ખાવાને લઈને ગુજરાતી પરિવારે આ પ્રકારની વિવાદાસ્પદ શબ્દો બોલવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના ની વાત કરીએ તો મુંબઈના ઘાટકોપરમાં સંભવ દર્શન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા એક પરિવારનું કહેવું છે કે, અમારા નોનવેજ ખાવાને લઈને પાડોશીએ વાંધો ઉઠાવ્યો અને અભદ્ર ટિપ્પણી કરી હતી. રામ રિંગે નામના શખસે જણાવ્યું કે, મને કહેવામાં આવ્યું કે, મરાઠી લોકો ગંદા હોય છે કારણ કે, તે માંસ-માછલી ખાય છે.
ત્યારબાદ રામ રિંગે પાસેથી સમગ્ર ઘટનાની જાણ્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને આ વિશે જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ નેતાઓએ સોસાયટીના લોકોને ધમકી આપી કે, જો મરાઠી લોકો સાથે ખોટો વ્યવહાર કર્યો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો.
આ સમગ્ર ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કહ્યું હતું કે, સોસાયટીની એક બેઠક બોલાવવામાં આવશે અને જે પણ ખોટું થયું હશે તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વળી, કોંગ્રેસ નેતાઓનું પણ કહેવું છે કે, વારંવાર મરાઠીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે અને તેના જવાબદાર દેવેન્દ્ર ફડણવીસ છે. એક નેતાએ કહ્યું કે, ‘મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ તો નોનવેજ ખાય છે. આ બધું સરકારના કારણે થઈ રહ્યું છે. તે ગુજરાતી અને મરાઠી વચ્ચે લડાઈ ઊભી કરવા માગે છે.‘
જો કે, આ વિવાદનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહ્યો છે. તેમાંથી એક સ્દ્ગજી નેતા કહે છે કે, ‘તમને લાગે છે મરાઠી ગંદા છે તો મહારાષ્ટ્ર પણ ગંદુ છે. તમે આવી ગંદી જગ્યાએ કેમ આવ્યા? જો બીજીવાર મરાઠી સાથે દુર્વ્યવહાર કર્યો તો સોસાયટીની બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે.‘ ત્યારબાદ ફરી સ્દ્ગજી કાર્યકર્તા સોસાયટીમાં આવ્યા અને વોટ્સએપ ગ્રુપ પર રામ રિંગેને બાયકૉટ કરવાની અપીલ કરી. આ સિવાય સોસાયટીના ચેરમેન રાજ પાર્તેને પણ ધમકી આપતા કહ્યું કે, જો આ પ્રકારનો વ્યવહાર રહેશે તો અમારે અમારા અંદાજમાં જવાબ આપવો પડશે.