કેનેડામાં રહેતા વિવાદિત શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. તેમની હત્યા ગુરુવારે સવારે કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં થઈ. રિપુદમન સિંહ મલિકનું નામ વર્ષ ૧૯૮૫માં એર ઈન્ડિયાની ફ્લાઈટના અપહરણ કેસમાં સામે આવ્યું હતું. આ ઘટનામાં ફ્લાઈટમાં સવાર તમામ લોકો બોમ્બ વિસ્ફોટના કારણે હવામાં જ માર્યા ગયા હતા. આ કેસમાં પાછળથી મલિકને દોષમુક્ત કરાયા હતા.
રિપુદમન સિંહ મલિકના સંબંધી જસપાલ સિંહે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે અમને નથી ખબર કે રિપુદનની હત્યા કોણે કરી, તેમની નાની બહેન કેનેડા પહોંચી રહી છે. પોલીસના જણાવ્યાં મુજબ રિપુદમન મલિક પર ગુરુવારે સવારે લગભગ ૯ વાગે ઓફિસ બહાર ફાયરિંગ કરવામાં આવ્યું. મલિકને એટલા નજીકથી ગોળી મારવામાં આવી હતી કે તેમનું બચવું અશક્ય હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ જે જગ્યાએ રિપુદમન મલિકની હત્યા થઈ ત્યાંથી થોડે દૂર એક બળેલી કાર પણ મળી આવી છે. જો કે પોલીસ હજુ આ બંને ઘટનાઓ સાથે કોઈ કનેક્શન જોડી શકી નથી. એવું કહેવાય છે કે આ ટાર્ગેટ કિલિંગની ઘટના હતી જેને સુનિયોજિત રીતે પ્લાન કરીને અંજામ અપાયો.
રિપુદમન સિંહ મલિકનો કથિત રીતે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં થયેલા બોમ્બ વિસ્ફોટમા ષડયંત્રમાં નામ આવ્યું હતું. વર્ષ ૧૯૮૫માં થયેલી આ ઘટનામાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર ૧૮૨ જેને કનિષ્ક પણ કહેવાય છે તે ૨૩ જૂન ૧૯૮૫વા રોજ કેનેડાથી ઉડીને ભારત આવવા નીકળી હતી. તે સમયે આયરલેન્ડના દરિયા કિનારે પહોંચતા તેમાં જોરદાર ધડાકો થયો અને પ્લેનના ચિથરા ઉડી ગયા હતા. આ ઘટનામાં પ્લેનમાં સવાર તમામ ૩૨૯ લોકોના જીવ ગયા હતા. મૃતકોમાં મુસાફરોની સાથે ક્રુ મેમ્બર્સ પણ સામેલ હતા. જે લોકોનો આ ઘટનામાં જીવ ગયો તેમાંથી ૨૮૦ કેનેડિયન નાગરિક હતા. આ ઘટનામાં ૨૯ પરિવાર સંપૂર્ણપણે ખતમ થઈ ગયા હતા. જ્યારે ૮૬ બાળકો જેમની ઉંમર ૧૨ વર્ષ કરતા પણ ઓછી હતી. તેઓ પણ બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા.
રિપુદમન સિંહ મલિકના કથિત રીતે આતંકી સંગઠન બબ્બર ખાલસા સાથે જોડાણ હોવાનું મનાતુ હતું. આ સંગઠન પર પંજાબમાં અનેક બોમ્બ વિસ્ફોટ કરવા અને નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ છે. મલિકના બબ્બર ખાલસા આતંકી તલવિંદર સિંહ પરમાર સાથે પણ સંબંધ હોવાનું કહેવાય છે. પરમારને જ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ ગણવામાં આવે છે. આ સંગઠનને કેનેડા, ભારત, અમેરિકા સહિત અનેક દેશોએ પોતાના ત્યાં બેન કરેલું છે. રિપુદમન સિંહ મલિક અને અન્ય સહ આરોપી અજાયબ સિંહ બાગડીને વર્ષ ૨૦૦૫માં આ બોમ્બ વિસ્ફોટ કેસમાં નિર્દોષ ઠેરવવામાં આવ્યા હતા. મુક્ત થતા પહેલા તે ૪ વર્ષ જેલમાં રહ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ મલિકે કેનેડા સરકારને તેમને વળતરના નામે ૯.૨ મિલિયન ડોલર આપવાની માગણી કરી હતી. પણ બ્રિટિશ કોલંબિયાના જજે તે રિજેક્ટ કર્યું હતું. વર્ષ ૧૯૮૫માં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં થયેલા બોમ્બ વિસ્ફોટને કેનેડાના ઈતિહાસમાં આજ સુધીની સૌથી મોટી આતંકી ઘટના ગણવામાં આવે છે. તેના દોષિતોને કેનેડા આજ સુધી સજા અપાવી શક્યું નથી. રિપુદમન સિંહ મલિક પર ભારતે એક દાયકા સુધી દેશમાં ઘૂસવા પર પ્રતિબંધ લગાવેલો હતો.
શીખ સંગઠનોની ભલામણ પર મોદી સરકારે તેને ૨૦૨૦માં સિંગલ એન્ટ્રી વિઝા આપ્યા. ત્યારબાદ હાલમાં જ ૨૦૨૨માં મલ્ટીપલ વિઝા અપાયા હતા. ત્યારબાદ મે મહિનામાં દિલ્હી, આંધ્ર પ્રદેશ, પંજાબ, અને મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આ મુદ્દે ભાજપના પ્રવક્તા આર પી સિંહે પોતાના નિવેદનમાં કહ્યું છે કે રિપુદમન સિંહ મલિકને એર ઈન્ડિયાના બોમ્બ વિસ્ફોટ કેસમાં છોડી દેવાયા હતા. તેઓ કેનેડામાં ખાલસા સ્કૂલ ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ સતત કટ્ટરપંથીઓના નિશાને હતા. આ જ કારણ છે કે તેમણે મોદી સરકાર તરફથી ભારતમાં શીખોના કલ્યાણ માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાંના વખાણ કર્યા હતા.