બિહારના કિશનગંજમાં ધોરણ સાતી પરીક્ષાના પ્રશ્નપત્રમાં એક સવાલ એવો પૂછાયો કે તેના પર હંગામો મચી ગયો છે. આ સવાલમાં કાશ્મીરને એક અલગ દેશ દેખાડ્યો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે આ ૫ દેશોના લોકોને શું કહેવાય છે- ચીન, નેપાળ, ઈંગ્લેન્ડ, કાશ્મીર અને ભારત. આ મામલાએ પછી તો રાજકીય તૂલ પકડી લીધુ. ભાજપે નીતિશકુમારના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર તૃષ્ટીકરણનો આરોપ લગાવ્યો છે.
બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે ‘જેડીયુ કાશ્મીરને ભારતનો ભાગ માનતી નથી. તેમણે સમગ્ર સીમાંચલ વિસ્તારમાં હિન્દી શાળાઓને બંધ કરાવવાનો પણ આરોપ લગાવ્યો. ભાજપના જિલ્લાધ્યક્ષ સુશાંત ગોપેએ કહ્યું કે, મહાગઠબંધન સરકારનો આ પ્રયત્ન તૃષ્ટીકરણની રાજનીતિને હવા આપવાની કોશિશ છે. આ એક કોશિશ છે જેથી કરીને બાળકોના મગજમાં એ ભરી શકાય કે કાશ્મીર અને ભારત અલગ અલગ છે. આ કોઈ ભૂલ નથી. આગામી ચૂંટણીઓ પહેલા સીએમ નીતિશકુમારના ષડયંત્રનો એક ભાગ છે.
જો કે સ્કૂલ પ્રશાસને કહ્યું કે સરકારી શાળા માટે પ્રશ્નપત્ર બિહાર એજ્યુકેશન બોર્ડ તરફથી સેટ કરાયું હતું. હકીકતમાં સવાલ એ હતો કે કાશ્મીરના લોકોને શું કહેવાય છે? પરંતુ માનવીય ભૂલના કારણે પ્રશ્નપત્રમાં ખોટું છપાઈ ગયું. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે પરીક્ષામાં આ પ્રકારે સવાલ પૂછાયા હોય. વર્ષ ૨૦૧૭માં પણ આ પ્રકારનો સવાલ સામે આવ્યો હતો. . AIMIM ના નેતા શાહિદ રબ્બાનીએ કહ્યું કે ‘જો ભૂલ છે તો તેને સુધારવી જોઈએ, પરંતુ જાણી જોઈને કરવામાં આવ્યું હોય તો કડક કાર્યવાહી થવી જોઈએ. તેમાં સરકારનો કોઈ હાથ નથી અને તેના પર રાજનીતિ થવી જોઈએ નહીં. ભાજપના આરોપ પર પ્રતિક્રિયા આપતા જેડીયુ નેતા સુનિલ સિંહે કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને કોઈ પણ એ વાતનો ઈન્કાર કરી શકે નહીં કે ભાજપ તેને એક બિનજરૂરી મુદ્દો બનાવી રહી છે.