મુંબઇ સ્થિત સિંગાપોરના કોન્સ્યુલ જનરલ અજિતસિંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે સોજન્ય મુલાકાત કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દર વખતે અનેક દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાતા હોય છે, ત્યારે આગામી વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં સિંગાપોરને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા માટે નિમંત્રણ પાઠવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫થી વાયબ્રન્ટ સમિટમાં સિંગપોર પાર્ટનર કન્ટ્રી તરીકે સહભાગી થાય છે. ગુજરાત અને સિંગાપોરના વર્તમાન ઉષ્માપૂર્ણ સંબંધો વધુ સુદ્રઢ બની આગળ ધપે તે વિશે વિશે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો.
સિંગાપોર વિશ્વમાં સ્માર્ટ સિટી તરીકે વિકસ્યું છે તેથી તેના તજજ્ઞોનો લાભ અમદાવાદ સહિતના સ્માર્ટ સિટીને વિકસાવવા માટે મળી રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને અર્બન સોલ્યુશન્સ, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, વોટર ટ્રીટમેન્ટ અને રોજગારલક્ષી કાર્યક્રમોમાં સહભાગીતાની તકો-સંભાવનાઓ સંદર્ભે આપસી વિચારો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સિંગાપોરના કોન્સ્યુલ જનરલે મુખ્યમંત્રીને સિંગાપોરની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું અને સિંગાપોરમાં રહેતા એન.આર.જી., એન.આર.જી ગુજરાતની વિકાસયાત્રામાં જોડાઇ રોકાણની ઉત્સુકતા વિશે પણ જણાવ્યું હતું.