અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન ગુજરાત હેઠળ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. જેમાં સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ બહુમતની સરકાર બનાવવાની અપીલ કરી હતી. જેને લઇ કોંગ્રેસ નેતા અહેમદ પટેલે ટ્વીટ કરી વડાપ્રધાન મોદીને સવાલ પૂછ્યા છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૭૨ બેઠકો આવશે તો શું સરકાર નહીં બનાવો. જ્યારે વડાપ્રધાન મોદીએ સભામાં કહ્યુ હતુ કે મજબૂત સરકાર મજબૂત નિર્ણયો લે છે. ૨૦૧૪માં તમે મને બહુમતી આપી એટલે જવાબ માંગી શકો છો. ગઠબંધન સરકારોના કારણે દેશનો વિકાસ રૂંધાયો છે.
વડાપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ૨૦૧૪ની લોકસભા ચુટણીમાં ભારતીય જનતા પક્ષને પૂર્ણ બહુમતી મળવાના કારણે દેશમાં પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે. પૂર્ણ બહુમતની સરકાર આવવાથી દેશને ત્રિશંકુની ૩૦ વર્ષની બીમારીથી છુટકારો મળ્યો છે. તેમણે જણાવ્યું કે, પરિવર્તનનો સમય લોકોના મતની તાકાતના કારણે છે. ના કે મોદીની તાકાતને કારણે. પીએમએ કહ્યું કે, ૩૦ વર્ષ સુધી દેશમાં જોડ-તોડથી સરકાર ચલાવવાના પ્રયત્નો થતા હતા. દરમ્યાન વડાપ્રધાનના નિવેદન અંગે શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી હતી.
શકિતસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કહે છે કે, ગઠબંધનની સરકાર કામ ન કરી શકે. તો વડાપ્રધાન જાહેર કરી દે કે, બહુમતી નહીં મળે તો ગઠબંધનની સરકાર તેઓ નહીં બનાવે. બિહાર,મહારાષ્ટ્ર અને નોર્થ ઇસ્ટમાં ગઠબંધનથી સરકાર કેમ ચલાવે છે? જમ્મુ કશ્મીરમાં સરકાર ગઠબંધનની શા માટે બનાવી હતી? તેવા સવાલો પણ ગોહિલે વડાપ્રધાન મોદીને કર્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલ અને શકિતસિંહ ગોહિલના સવાલોને લઇ ગુજરાતનું રાજકારણ આજે ફરી ગરમાયું હતું. આ બંને નેતાઓએ પીએમ મોદીને તેમના ઉપરોકત પ્રશ્નોના જવાબ પ્રજા સમક્ષ આપી પોતાનું વલણ સ્પષ્ટ કરવા માંગ કરી હતી.