અમદાવાદ : આગામી તા.૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક તેમજ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અડાલજ ખાતે યોજાનારી જાહેરસભાને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને કોંગ્રેસ વર્કિગ કમીટીની બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ આવવાના હોઇ અને પ્રિયંકા ગાંધીની લોકસભા ચૂંટણી પ્રચારની ગુજરાતમાં સૌપ્રથમ જાહેરસભા અને રોડ શો હોઇ તેમાં કોઇપણ જાતની કચાશ ના રહી જાય અને સોનિયા ગાંધી, મનમોહનસિંહ સહિતના મહાનુભાવોની ઉપÂસ્થતિ વચ્ચે યોજાનારા રોડ શો સહિતના તમામ આયોજનને સફળ બનાવવા કોંગ્રસ ભારે જહેમત ઉઠાવી રહી છે. આ માટે ખુદ કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા એહમદ પટેલે આજે કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને તૈયારીની સમીક્ષા કરી હતી.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અડાલજ ત્રિમંદિર પાસે યોજાનાર જાહેરસભાની તૈયારીઓ તેમજ ગાંધીઆશ્રમની પ્રાર્થનાસભાની તૈયારીઓને લઈ સાંસદ અહેમદ પટેલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિતના લોકો સાથે બેઠક કરી હતી. સમગ્ર આયોજનને લઈ ચર્ચા કરવામાં આવી હતી. અહેમદ પટેલ સહિતના નેતાઓએ આજે અડાલજ પાસે જ્યાં સભા યોજાવાની છે, તે સ્થળની મુલાકાત લીધી હતી તેમજ ગાંધી આશ્રમની મુલાકાત લઈ સમગ્ર બાબતની ચર્ચા કરી હતી અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓથી માંડી કાર્યકરોને જરૂરી સૂચના આપી હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ તેમનો આ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ લોકસભાની ચૂંટણી પહેલાનો આ બહુ મહત્વનો અને નોંધનીય ઘટનાક્રમ હોઇ તેને સફળ બનાવવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ જબરદસ્ત મહેનત લગાવી રહ્યા છે. એહમદ પટેલે આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો-દિશાનિર્દેશ કર્યા હતા.
ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓથી માંડી, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને જિલ્લા-તાલુકા કક્ષાના કાર્યકરોને સૂચનાઓ જારી કરી રાજયભરમાંથી જાહેરસભામાં ઉમટી પડવાની સૂચનાઓ પણ જારી કરાઇ છે. એક અંદાજ મુજબ, રાજયભરમાં પાંચ લાખથી વધુ લોકો પ્રિયંકા-રાહુલ ગાંધીની જાહેરસભામાં ઉમટે તેવી શકયતા છે.