તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની સામે કોંગ્રેસ મહાભિયોગ પ્રસ્તાવ લાવી હતી, જેને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ સ્વીકારવાની ના પાડી દીધી હતી.
બાદમાં રાજ્યસભાના અધ્યક્ષના આ નિર્ણયને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે એક પીટીશન કરી હતી. આ પીટીશનને હવે કોંગ્રેસે પરત લઇ લીધી છે. આજે આ પીટીશનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવાની હતી. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ પોતાની જ વિરુદ્ધની અરજીની સુનાવણી માટે એક બેંચની રચના કરી હતી. એ.કે. સિકરીને આ પાંચ જજોની બેંચને આગેવાની આપવામાં આવી હતી.
કોંગ્રેસના બે સાંસદો વતી કોર્ટમાં હાજર થયેલા વકીલ કપીલ સિબ્બલે કહ્યું હતું કે જે પાંચ જજો આ અરજીની સુનાવણી કરવાના છે તેઓ અમારી માગ સાથે સહમત થાય તેમ જણાતુ નથી. તેથી અમે આ અરજીને પરત ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. બાદમાં સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યુ હતું કે અરજી પરત લઇ લીધી હોવાથી તેનો અંત આવે છે