ફરીદાબાદ : હરિયાણાના કોંગ્રેસ પ્રવકતા વિકાસ ચૌધરીની ગોળી મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. કેટલાક વણઓળખાયેલા લોકોએ કોંગ્રેસના પ્રવકતા પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. સેક્ટર નવના માર્કેટમાં આ ઘટના દિનદહાડે બની હતી. હજુ સુધી મળેલી જાણકારી મુજબ ઓછામાં ઓછા ૧૨થી ૧૫ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઘટનાના કારણમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગોળીઓ વાગ્યા બાદ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ મોત થયુ હતુ. કોંગ્રેસી નેતાની હત્યાને લઇને જારદાર પ્રતિક્રિયા મળી રહી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આક્ષેપ કરતા કહ્યુ છે કે ખટ્ટર સરકારમાં પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી રહી નથી. વિકાસ ચોધરી જીમથી બહાર નિકળીને પોતાની ગાડીમાં બેસવા માટે જઇ રહ્યા હતા ત્યારે કેટલાક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળથી ૧૧ ગોળીના બોક્સ મળી આવ્યા છે. આ ઘટના સેક્ટર નવ સ્થિત પીએચસી જીમની બહાર બની હતી. જ્યાં દરરોજ વિકાસ જીમમાં આવતા હતા. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાળાએ કહ્યુ છે કે ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સંપૂર્ણ ભાંગી પડી છે. રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું છે કે, ભાજપ શાસનમાં પ્રદેશ ગુંડારાજ અને સંગઠિત અપરાધ વધી રહ્યા છે. કાનૂન અને ન્યાય વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી છે.
અરાજક તત્વો સક્રિય થઇ ગયા છે. વિકાસ ચૌધરી ઉપર હુમલામાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ અશોક તંવરે પ્રદેશની સુરક્ષા વ્યવસ્થાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. બીજી બાજુ ખટ્ટર રાજમાં સંપૂર્ણપણે ગુંડારાજની સ્થિતિ રહેલી છે. આવી જ રીતે એ ઘટનાના ભાગરુપે એક મહિલા સાથે ગઇકાલે ચેડા કરવામાં આવ્યા હતા. પોલીસ હાલમાં તપાસમાં લાગેલી છે પરંતુ હુમલાખોરો કોણ હતા તે સંદર્ભમાં માહિતી મળી શકી નથી. ભરચક વિસ્તારમાં કોંગ્રેસી નેતા ઉપર કરવામાં આવેલા ગોળીબારથી શહેરના લોકોમાં સોપો પડી ગયો છે. હરિયાણાના ફરિદાબાદમાં કોંગ્રેસી પ્રવક્તા વિકાસ ચૌધરીની હત્યા કરવામાં આવ્યા બાદ આને લઇને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની ખુબ જ નિરાશાજનક પ્રતિક્રિયા સપાટી ઉપર આવતા આની પણ ટિકા થઇ હતી. જ્યારે પત્રકારોએ મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો ત્યારે આના જવાબમાં ખટ્ટરે કહ્યું હતું કે, બનાવના સંદર્ભમાં તેમની પાસે હજુ સુધી કોઇ માહિતી આવી નથી. ફરિદાબાદમાં સેક્ટર નવના માર્કેટમાં આજે દિનદહાડે આ હત્યા કરવામાં આવી હતી.
પોલીસે હત્યારાઓની શોધખોળ માટે પોલીસની કેટલીક ટીમો બનાવી છે. ચૌધરી પોતાની ગાડી પાર્ક કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. ૧૨થી ૧૫ જેટલી ગોળીઓ તેમના ઉપર ચલાવવામાં આવી હતી. એમ માનવામાં આવે છે કે, હત્યાનું કાવતરું ખુબ પહેલા ઘડી કાઢવામાં આવ્યું હતું. વિકાસ ચૌધરી પોતે ગાડી ચલાવીને જીમ પહોંચતા હતા. તેમની સાથે એ ગાળામાં કોઇપણ રહેતા ન હતા. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઇ ચુકી છે. વિકાસ ચૌધરીને તેમના ગરદન અને છાતીમાં ગોળીઓ વાગી છે. ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ તેમને નજીકની સર્વોદય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. પોલીસે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરિવારના સભ્યોને મૃતદેહ સોંપી દીધો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આની નિંદા કરી છે.