યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા જ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, આવતીકાલે અમે દેશભરમાં દેખાવો કરીને ‘બંધારણ બચાવો દિવસ’ની મનાવીશું.
કોંગ્રેસે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહમાં તાકાત હોય તો આવતીકાલે બહુમતી સાબિત કરી બતાવે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપે લોકશાહીના ધજિયા ઉડાવ્યા છે અને બંધારણને કચડી નાંખ્યું છે. યેદિયુરપ્પા ફક્ત એક દિવસના મુખ્યમંત્રી છે કારણ કે, તેમની પાસે બહુમતી નથી. સુપ્રીમનો ચુકાદો આવતા જ તેમને પદભ્રષ્ટ કરાશે.
રાજ્યપાલે ગેરકાયદે નિર્ણય લીધો હોવાથી અમે ૧૮મી મેના રોજ કોંગ્રેસના પંચાયત સ્તરથી રાષ્ટ્રીય સ્તરના કાર્યાલયોમાં ‘બંધારણ બચાવો દિવસ’નું આયોજન કરીને ભાજપની નીતિરીતિનો વિરોધ કરીશું. સૌથી મોટા પક્ષને જ સરકાર રચવાનું આમંત્રણ આપી શકાય તો ગોવા, બિહાર અને મેઘાલયમાં પણ ભાજપની સરકાર ભંગ કરીને કોંગ્રેસની સરકાર રચવી જોઈએ.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે પણ કહ્યું હતું કે, દેશમાં હજુ પક્ષપલટા વિરોધી કાયદો મોજુદ છે. આ કાયદો હોવાથી ભાજપ બહુમતી સાબિત કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. ભાજપે કર્ણાટકમાં રાજભવનનો મોભો ઘટાડી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં અમારી તરફેણમાં નિર્ણય આવશે એ વાતમાં કોઈ શંકા નથી.