અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનની મુલાકાત લેનાર કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે અનામત અંગે કોઈ સ્પષ્ટતા કરી નહી હોવાનું જણાવતા રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે આજે જણાવ્યું હતું કે, કોંગ્રેસે પાટીદારોને કઈ રીતે અનામત આપવામાં આવશે તેની પહેલાં સ્પષ્ટતા કરવી જોઈએ. રાજયના ઉર્જામંત્રીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગાંધીનગર ખાતે આજે પત્રકારો સાથે વાતચીત કરતા રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ અને હાઇકોર્ટના આદેશ પ્રમાણે ૫૦ ટકાથી વધારે અનામત આપી શકાય તેમ નથી. ત્યારે કોંગ્રેસ પાટીદારોને કેવી રીતે કેટલી અનામત આપશે તેની સ્પષ્ટતા કરવી જોઈએ.
કોંગ્રેસ બેવડી નીતિ અખત્યાર કરી રહી હોવાનું જણાવતા તેમણે પ્રહાર કર્યા કે, દિલ્હીમાં અન્ના હજારેના ઉપવાસ વખતે બાબા રામદેવ અને મહિલાઓ ઉપર અડધી રાત્રે લાઠીચાર્જ કરવામાં આવતા એક મહિલાનું મોત પણ નીપજ્યું હતું. જયારે કર્નાટક અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકાર વખતે ગોળીબારમાં ખેડૂતોના સૌથી વધારે મોત નીપજ્યાં છે. ગુજરાતમાં સરકારે ખેડૂતો માટે ત્રણ વિભાગોમાં કુલ ૩૦ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે અને રાજ્ય સરકાર ધ્વારા ખેડૂતોની આવક વધારવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જેમાં અન્ય પાકની સાથે કપાસમાં ૨૫-૩૦ ટકા જેટલો એનએસપી વધારવામાં આવ્યો છે. કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું તે અંગે ભૂતકાળ યાદ કરવો જોઈએ એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં સુજલામ સુફલામ અને નર્મદા યોજના સહીત અનેક નવી યોજનાઓ ખેડૂતો માટે કરી છે. તેમણે પાટીદાર સમાજ તેમજ પાસના આગેવાનો ધ્વારા રાજ્ય સરકાર સાથે મુલાકાત બાબતે કહ્યું કે, તે તેમનો આંતરિક મામલો છે.
જયારે શત્રુઘ્નસિંહ અને જાણીતા અર્થશાસ્ત્રી યશવંતસિંહાએ હાર્દિક પટેલની લીધેલી મુલાકાતને તેમણે વ્યકતિગત ગણાવી હતી. તેમણે હાર્દિકના સ્વાસ્થ્ય માટે ઉપવાસના સ્થળે તાત્કાલિક સારવારની પુરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાનો પણ દાવો કર્યો હતો.