કોંગ્રેસ અધ્યક્ષે પ્રધાનમંત્રી મોદી પર આપ્યું વિવાદિત નિવેદન!..

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ રવિવારે  ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની મોદી સરકાર પર ‘અલોકતાંત્રિક’ થવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે લોકતંત્રને બચાવવા માટે લોકોએ સરકારની તાનાશાહી વિરુદ્ધ મજબૂતાઈથી લડવું પડશે. આ સાથે જ તેમણે પીએમ મોદી ઉપર પણ નિશાન સાંધ્યુ. પરંતુ આ દરમિયાન તેઓ પીએમ પદની ગરિમા ભૂલી ગયા અને આપત્તિજનક નિવેદન આપ્યું. મલ્લિકાર્જૂન ખડગેએ ‘તુ તારી’ ની ભાષાનો ઉપયોગ કર્યો. અત્રે જણાવવાનું કે ખડગે કોંગ્રેસના ત્રણ દિવસના ૬૫માં પૂર્ણ અધિવેશનના સમાપન પર છત્તીસગઢના જોરા ગામમાં આયોજિત જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.  શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ? તે જાણો.. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરતા કહ્યું કે, ‘તારા જેવા અનેક આવ્યા અને ગયા.’ મલ્લિકાર્જૂન ખડગે આટલેથી જ ન અટક્યા તેમણે વધુમાં કહ્યું કે, ‘૫૬ ઈંચની છાતીનું શું કરીશું, લોકોને ખાવાનું અને રોજગાર આપો. જો આ (છાતી) એક ઈં પણ ઓછી થઈ જાય તો કોઈ મુશ્કેલી નહીં આવે, દુબળા થવાથી કોઈ મરતું નથી.’

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, કેન્દ્રમાં હાલની સરકાર લોકતાંત્રિક નથી. આ સરકાર જનતા માટે કામ કરતી નથી. આ સરકાર ફક્ત પોતાની તાનાશાહી ચલાવે છે. તેમણે દાવો કર્યો કે, અમે ત્યાં (સંસદમાં) ગરીબો, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને મહિલાઓ સંબંધિત મુદ્દાઓને ઉઠાવવા માટે સ્વતંત્ર નથી. મારું ભાષણ અને રાહુલજીનું ભાષણ  હટાવી દેવાયું. અમે કોઈ અપમાનજનક શબ્દોનો ઉપયોગ નથી કર્યો. અમે ફક્ત અદાણી વિશે સવાલ પૂછ્યો હતો. મલ્લિકાર્જૂન ખડગેએ અદાણી મુદ્દે સાધ્યું નિશાન અને તેમણે કહ્યું કે, ‘૨૦૦૪ અગાઉ અદાણીની સંપત્તિ ૩ હજાર કરોડ રૂપિયા હતા. જે ૨૦૧૪માં ૫૦ હજાર કરોડ રૂપિયા થઈ ગઈ. વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધીમાં તે ૧૩ ગણી વધી. તમે જ જણાવો કે આ કયો  જાદુ છે. અદાણીને તમે જે મંત્ર આપ્યો છે, કૃપા કરીને અમને પણ જણાવો.’ તેમણે કહ્યું કે ‘કઈ રીતે એક રૂપિયો અઢી વર્ષમાં ૧૩ કે એક લાખથી ૧૩ લાખ રૂપિયા થઈ જાય છે.’ કોંગ્રેસ અધ્યક્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાંધતા કહ્યું કે, ‘તેમણે એક વ્યક્તિ માટે આખા દેશને ગિરવે મૂકી દીધો. તમારા મિત્ર કોણ છે. તમારા મિત્ર જેના વિમાનથી તમે પ્રધાનમંત્રી બન્યા બાદ  ગુજરાતથી દિલ્હી ગયા હતા.’ તેમણે કહ્યું કે ‘તમે (મોદી) કહ્યું હતું કે તમે ભ્રષ્ટાચાર સહન નહીં કરો. તેમણે ભલે નાના ભ્રષ્ટાચારને અટકાવી દીધો પરંતુ મોટા ભ્રષ્ટાચારને થવા દીધો.’ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે આપણે એક એવા લોકતંત્રમાં છીએ જ્યાં બોલવાની, લખવાની, ખાવાની આઝાદી ખતમ થઈ ગઈ છે. આજે કોઈ સાચુ બોલે તો તેને જેલમાં મોકલી દો. મે આજ સુધી જોયું નથી કે અધિવેશન ચાલુ છે અને ધડાધડ રેડ પડી રહી છે. તમે કોને ડરાવી રહ્યા છો, છત્તીસગઢના લોકો ડરવાના નથી.  અત્રે જણાવવાનું કે રેલીને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મોહન મરકામે પણ સંબોધન કર્યું. રેલીમાં કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુ, અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત હતા.

Share This Article