નવી દિલ્હી : મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકાર રચવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આજે બુધવારે બેઠકોનો દોર ત્રણેય રાજ્યોમાં જારી રહ્યો હતો. બીજી બાજુ ત્રણેય રાજ્યોમાં ભાજપના મુખ્યપ્રધાન દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે. આજે શિવરાજ સિંહ ચોહાણે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે રાજીનામુ આપી દીધુ હતુ. આની સાથે સાથે શિવરાજે જાહેરાત પણ કરી હતી કે તેઓ રાજ્યમાં સરકાર રચવા માટેનો દાવો કરશે નહીં.
શિવરાજે કહ્યુ હતુ કે અમે પ્રજા તરફથી જે જનાધાર છે તેને સ્વીકાર કરીને માથે ચડાવીએ છીએ. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સવારે નિવેદન જારી કરીને કહ્યુ હતુ કે અમે જનાદેશને માથે ચડાવીએ છીએ. તેઓ છત્તિસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકોન આભાર માને છે. જે રાજ્યના લોકોએ અમને સેવાની તક આપી હતી. આ રાજ્યોમાં ભાજપની સરકારોએ લોકોની સેવા માટે ભારે મહેનત કરી હતી.
શિવરાજ સિંહે કહ્યુ હતુ કે હવે તેઓ સ્વતંત્ર છે. તેઓ રાજ્યપાલને મળીને રાજીનામુ આપી ચુક્યા છીએ. હારની જવાબદારી તેઓ સ્વીકારે છે. શિવરાજ સિંહે કહ્યુ હતુ કે તેઓ કમલનાથને શુભેચ્છા આપે છે. તેમની સાથે સહકાર સાથે કામ કરવા માટે પણ તૈયાર છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન તરીકે વસુન્ધરા રાજે અને છત્તિસગઢના મુખ્યપ્રધાન તરીકે રમણસિંહે પણ રાજીનામા આપી દીધા છે. હવે નવી સરકાર બનાવવા માટે કોંગ્રેસે તેની કવાયત હાથ ધરી છે. કોંગ્રેસે સત્તાના સેમીફાઇનલ સમાન ગણાતી ચૂંટણીમાં શાનદાર દેખાવ કરીને ત્રણેય રાજ્યો ભાજપ પાસેથી આંચકી લીધા છે.