અમદાવાદ : કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલી રાઈડ તૂટવાની દુર્ઘટનાને લઇ ખુદ મેયર સહિત શાસક પક્ષ ભાજપે આ સમગ્ર મામલે જવાબદારી સ્વીકારવામાંથી હાથ ઉંચા કરી દીધા હતા. માત્ર એટલું જ નહીં, એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાનો હીન પ્રયાસ કર્યો હતો. ખુદ અમદાવાદના મેયર બિજલ પટેલનું અત્યંત બેજવાબદારી ભર્યું નિવેદન સામે આવ્યું હતું કે, તા.૬ જુલાઇનો આર એન્ડ બી નો રિપોર્ટ કોર્પોરેશન પાસે આવ્યો હોત તો, શું ઘટના નિવારી શકાઈ હોત. આ ઘટનામાં કોર્પોરેશનના કોઈપણ અધિકારીની વ્યક્તિગત જવાબદારી નથી. આ અંગે કોઈ ચોક્કસ નીતિ નથી, આગામી સમયમાં અધિકારી-વિભાગની જવાબદારી અંગે બેઠક કરી નિર્ણય લેવાશે. આમ, ખુદ મેયરના જ આ પ્રકારના નિવેદનને લઇ હવે એક નવો વિવાદ ગરમાયો છે.
બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસે મેયર અને શાસક પક્ષના આવા બેજવાબદારીભર્યા વલણ સામે ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો અને આ સમગ્ર મામલે ન્યાયિક તપાસ અને વળતરની માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર દુર્ઘટનામાં અમ્યુકોની કોઇ જવાબદારી બને છે કે નહી તેવા સવાલના જવાબમાં મેયરે જણાવ્યું કે,આમાં કોઈ વ્યક્તિગત જવાબદાર ન હોઇ શકે. જે કંઈપણ બન્યું છે તે સમગ્ર લોકોની જવાબદારી છે. કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. તો, આ મામલે શાસક પક્ષ તમામ જવાબદારી માર્ગ-મકાન વિભાગ પર ઢોળી કહી રહ્યો છે કે, પાર્કની જગ્યા ખાલી કોર્પોરેશને આપેલી છે. જ્યારે લાયસન્સ આપવાની, તપાસવાની એ બધી આર એન્ડ બી(રોડ એન્ડ બિલ્ડિંગ)ની અને પોલીસની જવાબદારી છે.
મેયરે એમ પણ જણાવ્યું કે, આ મામલે કોઈ રાજકારણ ન હોવું જોઈએ. આ દુઃખદ ઘટના છે. જે કોઈ રાઈડ કરવામાં આવે છે તેના માટે અમદાવાદ શહેરમાં સરકારી માલિકીની, કોર્પોરેશનની માલિકીની કે ખાનગી માલિકીની જમીન પર કોઈપણ જાતની રાઈડ ચલાવવાનું લાયસન્સ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઈસ્યૂ કરવામાં આવે છે. જુદી જુદી રાઈડ્સ ચલાવવા માટે રાજ્ય સરકારના આર એન્ડ બી વિભાગમાં અરજી કરવામાં આવે છે અને તેના એન્જિનિયરો દ્વારા યાંત્રિક ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ સલામતીના ધોરણો સંતોષકારક લાગ્યા બાદ પ્રમાણપત્ર આપીને પોલીસ કમિશનર દ્વારા લાયસન્સ ઈશ્યુ કરવામાં આવે છે. જો, ધારાધોરણ મુજબ કામગીરી ન થઈ હોય તો તેને રદ કરવાની પોલીસ કમિશનર પાસે સત્તા છે. કોઈ જવાબદારી કે સત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હોતી નથી. મેયરના નિવેદન બાદ વિરોધ પક્ષ કોંગ્રેસે તેને આકરા શબ્દોમાં વખોડી તેમના રાજીનામાની માંગણી કરી હતી. જેને ફગાવતાં મેયરે સ્પષ્ટ ક્રયું હતું કે, વિરોધપક્ષે રાજીનામુ આપવાની માગ કરી છે, પણ મારે મારું રાજીનામુ ક્યારે અને કોને આપવું તેની મને ખબર છે તેના માટે મને કોઈએ માર્ગદર્શન આપવાની જરૂર નથી.
આમ, સમગ્ર મામલો વધુ ગરમાયો હતો. દરમિયાન આટલી ગંભીર દુર્ઘટના છતાં શાસક પક્ષ ભાજપ અને મેયર દ્વારા આ પ્રકારના વલણને લઇ વિપક્ષ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા, પૂર્વ નેતા બદરુદ્દીન શેખ, મ્યુનિ વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી સહિતના નેતાઓએ વિરોધ કર્યો હતો. ભાજપ હાય હાય મેયર હાય હાયના જોરદાર નારા લગાવ્યા હતા. વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, રાઈડને બરાબર રીતે ચેક કરી હોત તો આ ઘટના ન બની હોત. કોર્પોરેશન દ્વારા તમામ રાઈડનું ઇન્સ્પેકશન કરવામાં આવે. મૃતકોના પરિવારજનોને પાંચ લાખ અને ઇજાગ્રસ્તોને એક લાખની સહાયની માંગ કરી છે.