કોંગ્રેસ આંદોલનકારી સાથે ડબલ રમત રમે છે : ભાજપ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, જે નર્મદા વિરોધી છે, ગુજરાત વિરોધી છે તેવાં કોંગ્રેસના નેતા રાજીવ સાતવ ગુજરાતના નેતૃત્વને બદનામ કરવા માટે પ્રજાને ગેરમાર્ગે દોરવા જૂઠ્ઠાં આક્ષેપો કરી રહ્યાં છે. જેમના શાસનમાં ૧૨ લાખ કરોડના ભ્રષ્ટાચાર થયાં છે. તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમાણિક, પારદર્શક, પરીશ્રમી નેતૃત્વ પર કાદવ ઉછાડવાનો પ્રયાસ કરે છે. દેશની જનતાને મોદી પર સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ રાહુલ ગાંધીને માત્ર ચીન-પાકિસ્તાન પર વિશ્વાસ છે તેથી ડોકલામ વખતે ચીનના એમ્બેસેડરને ખાનગીમાં મળે છે અને ચીનના પ્રચારના એમ્બેસેડર હોય તે રીતે ચીનના ગુણગાન ગાય છે.

કોંગ્રેસ સામે પ્રતિક્રિયા આપતાં ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોઈ પ્રજાલક્ષી સેવાનાં કાર્યક્રમો હોતાં નથી. સરકારે આંદોલનકારીઓ સાથે ભૂતકાળમાં અનેકવાર મિટીંગો કરી છે. પાટીદાર સમાજની તમામ સંસ્થાઓની સાથે રહીને સરકારે અનેક યોજનાઓ જેવી કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, બિન અનામત આર્થિક નિગમ, ૧૦% ઈબીસીની જાહેરાત કરી હતી. કોંગ્રેસ પ્રોકસીવોરથી શરૂ કરીને હવે તેની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસ આંદોલનકારી સાથે બેવડી રમત રમે છે. ઉપવાસ કરવાવાળા કોંગ્રેસને પૂછે છે કે, (૧). શું કોંગ્રેસ ઓબીસીમાંથી અનામત આપવા માંગે છે ? (૨). કોંગ્રેસ કઈ જોગવાઈથી અનામત આપવા માંગે છે ? (૩) કોંગ્રેસે એકપણ રાજયમાં ઈબીસી ૧% પણ જાહેર કેમ કરતી નથી ?કોંગ્રેસના બદઈરાદાને ઉપવાસ કરનારા ઓળખી લે. એકબાજૂ ઉપવાસ કરાવે અને બીજીબાજૂ રામધૂન બોલાવે છે કોંગ્રેસને ઉકેલમાં નહીં માત્ર વિવાદ, વેરઝેર, વર્ગવિગ્રહમાં રસ છે. કોંગ્રેસ ગુજરાતમાં અશાંતિ, વેરઝેર, અરાજકતા ફેલાવવા માંગે છે પરંતુ ગુજરાતની જનતા હંમેશા પ્રેમ, શાંતિ, એકતા, અહિંસામાં  માને છે. તેથી કોંગ્રેસના કોઈ ષડયંત્રો સફળ થવાનાં નથી. પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, રાફેલ મુદ્દે સંસદમાં અને સંસદની બહાર કેન્દ્ર સરકારના મંત્રીઓ વિગતવાર ખુલાસાઓ આપ્યા છે.

તેમ છતાંય અલગ અલગ જગ્યાએ અલગ અલગ જૂઠ્ઠા આંકડાઓ બોલીને રાહુલ ગાંધી તેઓ પોતે જ જૂઠ્ઠા આંકડાઓ દ્વારા પોતાને જ ખોટા પાડી રહ્યાં છે. તે દેશની જનતા જોઈ રહી છે. સંસદમાં જે રીતે પ્રધાનમંત્રીને ભેટીને પછી આંખના ઈશારા દ્વારા આ નાટક હતું તેવું તેમણે સાબિત કર્યું. તે જ રીતે આ પ્રકારના  જૂઠ્ઠા આક્ષેપો કર્યા છે. થોડા સમય પછી આ નાટક જ છે તેમ આંખના ઈશારા દ્વારા કહી દે તો નવાઈ નહીં. પંડયાએ વધુમાં જણાવ્યું હતું, રાહુલ ગાંધીને સંસદ, જાહેરસભા કે પ્રેસમાં વિસંગતતાથી નાટયાત્મક રીતે બોલતાં જોઈને દેશની જનતા પણ હસી રહી છે.

કોંગ્રેસના નેતાઓ પણ તેમને અનેક ટ્રેનીગ આપ્યા પછી પણ જાહેરમાં લાવતાં ડરે છે. કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા પાસે, પાકિસ્તાન અને ચીનની પ્રશંસા કરવા સિવાય દેશહિતનો કોઈ મુદ્દો જ રહ્યો નથી. તેથી ભારતને બદનામ કરવાના વિદેશમાં જઈને સતત પ્રયાસ કરે છે, પરંતુ નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યાં પછી વિશ્વમાં ભારતીયોનું માન-સન્માન-ગૌરવ વધ્યું છે. જે તે દેશની સરકારો પર પ્રભાવ પણ વધ્યો છે. તે હક્કિત હોવાથી કોંગ્રેસને પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીની લોકપ્રિયતાની ઈર્ષ્યા આવે છે અને એટલે તેમના પર જૂઠ્ઠા આક્ષેપો દ્રારા ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

Share This Article