નવી દિલ્હી : કર્ણાટકથી લઇને ગોવા સુધી પોતાના ધારાસભ્યોને તોડી નાંખવા માટેના ચાલી રહેલા અભિયાનની ગંભીર નોંધ લઇને કોંગ્રેસ પાર્ટી હવે વધારે સાવધાન થઇ રહી છે. કોંગ્રેસ પાર્ટી હવે બીજા કિલ્લાને પણ બચાવી લેવા માટે એલર્ટ થઇ ગઇ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ નેતૃત્વ હાઇ એલર્ટ પર છે. હકીકત એ છે કે આ બંને રાજયોમાં કોંગ્રેસ ખુબ ઓછા અંતરથી બહુમતિની સરકાર ચલાવી રહી છે. તેમનુ અસ્તિત્વ કેટલાક અપક્ષ અને નાની પાર્ટીના બહારથી મળી રહેલા સમર્થન પર આધારિત છે. પાર્ટીને જાણવા મળ્યુ છે કે ભાજપ લીડરશીપ દ્વારા હવે મધ્યપ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરી દેવામાં આવ્યુ છે.
એમ કહેવામાં આવે છે કે મુખ્યપ્રધાન કમલનાથ અને વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ તેમજ અન્ય વિપક્ષી નેતાઓની ચાલ પર નજર રાખી રહ્યા છે. પોતાના ધારાસભ્યોની ગતિવિધી પર પણ નજર રાખી રહ્યા છે. મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી તેમજ કેટલાક અપક્ષ સભ્યો પર આધારિત છે. જ્યારે રાજસ્થાનમાં ગહેલોત સરકારને આશરે એકત ડઝન જેટલા અપક્ષ ધારાસભ્યોએ એવી શરત પર સમર્થન આપ્યુ છે કે અશોક ગહેલોત જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે રહેશે.જો કે રાજ્ય કોંગ્રેસની લીડરશીપ હાલમાં પાર્ટીને એકમત રાખવામાં સફળ રહી છે. જો કે કેટલાક નેતાઓને લાગી રહ્યુ છે કે આગામી દિવસોમાં પડકાર વધી શકે છે.
કોંગ્રેસ કર્ણાટક અને ગોવા બાદ સ્થિતીને સમજીને આગળ વધવા માટે તૈયાર છે. ગુરૂવારના દિવસે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદોની બેઠક યોજાઇ હતી. ત્યારબાદ બીજા વિપક્ષી દળોના નેતાઓની સાથે કર્ણાટક અને ગોવાના રાજકીય ઘટનાક્રમ મામલે બાપુની પ્રતિમા સામે ધરણા યોજ્યા હતા. ત્યારબાદ મામલો લોકસભામાં છવાયો હતો.