પાસીઘાટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં દેશદ્રોહ અને રાજદ્રોહને અપરાધની બહાર રાખવાના વચન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ અરૂણાચલ પ્રદેશમાં પાસીઘાટમાં એક પ્રચંડ રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે કોંગ્રેસનો હાથ દેશદ્રોહીની સાથે દેખાઇ રહ્યો છે. મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસે હવે દેશને ગાળો આપનાર લોકો માટે પણ એક ખાસ યોજના બનાવી લીધી છે. ભારત તેરે ટુકડે હોંગેના નારા લગાવનાર , તિરંગાને સળગાવ દેનાર અને આંબેડકરની મુર્તિઓને તોડી પાડનાર લોકો માટે ખાસ નીતિ બનાવી છે.
આવા લોકો પ્રત્યે પણ કોંગ્રેસ સાહનુભુતિ ધરાવે છે. ભારતના બંધારણને નહીં સ્વીકાર કરનાર લોકોને બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્ર પર આકરા પ્રહારો કરતા કહ્યુ હતુ કે આ એક દેખાવવા પુરતો ઢંઢેરો છે. મોદીએ કહ્યુ હતુ કે એકબાજુ મજબુત ઇરાદાવાળી સરકાર છે તો બીજી બાજુ ખોટા વચનો આપનાર નામદારની ટીમ છે. તેમના ઘોષણાપત્રમાં પણ જુઠ્ઠાણાનો વરસાદ કરવામાં આવ્યો છે.
મોદીએ કહ્યુ હતુ કે આ લોકસભાની ચૂંટણી સંકલ્પ અને કાવતરાની ચૂંટણી છે. ભ્રષ્ટાચાર અને વિશ્વાસ વચ્ચેની ચૂંટણી છે. આપની પરંપરા અને પરિધાનનુ સન્માન કરનાર અને અપમાન કરનાર લોકો વચ્ચેની ચૂંટણી છે. અમે અમારા ગાળામાં દેશના દરેક ઘરમાં વીજળી પહોંચાડી દેવા માટેનુ કામ કર્યુ છે. મોદી ઝંઝાંવતી ચૂંટણી પ્રચારમાં સતત વ્યસ્ત બનેલા છે. આજે પણ જોરદાર પ્રચારમાં રહેનાર છે. કોલક્તામાં પણ રેલી કરનાર છે. મમતા બેનર્જીના ગઢમાં તેમના સંબોધન પર તમામની નજર રહેશે.