અમદાવાદ: પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઇ સરકાર કે તંત્ર તરફથી હાર્દિક પટેલને કોઇપણ જગ્યાએ મંજૂરી નહી અપાતાં હવે કોંગ્રેસ પક્ષ જાહેરમાં હાર્દિકના સમર્થનમાં મેદાનમાં ઉતરી આવ્યો છે. આજે કોંગ્રેસના અડધોડઝન ધારાસભ્યો અને નેતાઓએ રાજય સરકારને હાર્દિકના ઉપવાસ આંદોલનની મંજૂરી આપવા અંગે ઉગ્ર રજૂઆત અને માંગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓએ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રૂબરૂ મળી તેમની લાગણી પહોંચાડી હતી.
હાર્દિકના સમર્થનમાં આજે કોંગ્રેસ પણ ઉતરી આવતાં ગુજરાત રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો હતો. આગામી તા.૨૫ ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ આંદોલન કરવા જઇ રહેલા પાસના યુવા નેતા હાર્દિક પટેલને ઉપવાસની મંજૂરી અપાવવા કોંગ્રેસના એક ડઝન જેટલા ધારાસભ્યો આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. જો કે, મુખ્યમંત્રી કેબીનેટ બેઠક પતાવી સચિવાલયમાંથી નીકળી જતા તેઓ સેક્રેટરી અશ્વિની કુમારને મળ્યા હતા. આ પછી આ કોંગ્રેસી ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ હાર્દિક પટેલને ઉપવાસ માટે મંજૂરી મળે તે અંગે રજૂઆત કરી હતી. આ સાથે તેમણે અલ્પેશ કથીરિયા પર લગાવેલો રાજદ્રોહનો કેસ પણ પરત ખેંચવા પણ રજૂઆત કરી હતી.
ગાંધીનગર ખાતે આજે બપોરે સ્વર્ણિમ સંકુલ-૧માં કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને મંજુરી માટેની રજૂઆત કરવા આવી પહોચ્યા હતા. જેમાં હાર્દિકના ઉપવાસ આંદોલનને કોંગી ધારાસભ્યો કિરીટ પટેલ, પ્રતાપ દુધાત, સોમા પટેલ, ઋત્વિક મકવાણા, વિરજી ઠુંમ્મર અને લલિત વસોયા સહિતના નેતાઓએ સમર્થન આપ્યું હતું. આ તમામ ધારાસભ્યો પાસના પૂર્વ નેતા તેમજ રાજકોટના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં સીએમ કાર્યાલય પહોંચ્યા હતા. જેમાં કેબીનેટ બેઠક બાદ સીએમની ગેરહાજરીમાં તેઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળ્યા હતા.
કોંગી નેતાઓએ જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ માટે નિકોલની ગ્રાઉન્ડ મંજૂરી સમક્ષ માંગી હતી, પરંતુ પોલીસે મંજૂરી નહીં આપતા ગાંધીનગરના સેક્ટર-૬માં આવેલા સત્યાગ્રહ છાવણીની મંજૂરી માંગી હતી. જો તેની મંજૂરી નહીં આપવામાં આવે તો તે વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલા પોતાના ઘર છત્રપતિ નિવાસ ખાતે ઉપવાસ કરવાની તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ પોલીસે શમિયાણો ઉતારી લેતા કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા હાર્દિકને ઉપવાસ માટે મંજુરી આપવા રજૂઆત કરી છે. કોંગી નેતાઓએ બંધારણીય જાગવાઇઓને ધ્યાનમાં રાખીને પણ ઉપવાસ આંદોલન કરવાની મંજૂરી હાર્દિકને આપવા સરકારને અનુરોધ કર્યો હતો.