અમેઠી: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશના પાર્ટી મહાસચિવ બનાવવા પર ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ કોંગ્રેસના આ નિર્ણયને લઇને પરિવારવાદની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા આ વાત સ્વીકારી લેવામાં આવી છે કે, રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે. સંબીત પાત્રાએ કહ્યું હતું કે, સૂચિત ગઠબંધનમાં જુદા જુદા પક્ષો તરફથી રાહુલ ગાંધીને ફગાવી દેવામાં આવ્યા બાદ રાહુલે હવે પારિવારિક ગઠબંધનનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે હકીકતમાં જાહેરરીતે કહી દીધું છે કે, રાહુલ ગાંધી નિષ્ફળ રહ્યા છે. મહાગઠબંધનના પક્ષો રાહુલ ગાંધીનો અસ્વીકાર કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં પારિવારિક ગઠબંધનની રચના કરવામાં આવી છે.
પાત્રાએ કહ્યું હતું કે, આ સ્વાભાવિક છે કે, કોંગ્રેસ પાર્ટીને પરિવારના જ કોઇ સભ્યને જ આ તાજ આપવાની જરૂર હતી. વડાપ્રધાન મોદી આગામી લોકસભા ચૂંટણીને નામદાર અને કામદાર વચ્ચેની લડાઈ ગણાવી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં આગામી નેતા કોણ રહેશે તે બાબત પહેલાથી જ નક્કી હોય છે. પાત્રાએ આ સંદર્ભમાં જવાહલાલ નહેરુ, ઇÂન્દરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધીના દાખલા આપ્યા હતા. તાજા દાખલો રાહુલ ગાંધીનો છે. પાત્રાએ કહ્યું હતું કે, તમામ નિમણૂંકો એક પરિવારમાંથી થાય છે. કોંગ્રેસ અને ભાજપમાં આ મોટા અંતરની સ્થિતિ છે. કોંગ્રેસના લોકો પરિવારને જ પાર્ટી સમજે છે જ્યારે ભાજપ પાર્ટીને પરિવાર તરીકે ગણે છે.
કોંગ્રેસ પ્રમુખ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી જાહેરમાં રાહુલ ગાંધીની નિષ્ફળતા માની લઇને નવો નિર્ણય લેવાયો છે. પ્રિયંકા ગાંધી વાઢેરાને બચાવમાં ઉતારવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનમાં સપા અને બસપા દ્વારા કોંગ્રેસને સામેલ કરવામાં આવી નથી. અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસને લઇને કોઇ સહમતિ થઇ રહી નથી. બીજી બાજુ ભાજપ ઉત્તરપ્રદેશના ઇન્ચાર્જ જેપી નડ્ડાએ કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી ઔપચારિકરીતે કોંગ્રેસના મહાસચિવ બન્યા છે પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે, તેમની પારિવારિક કંપની કઈરીતે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી તરફથી આ પહેલી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, રાહુલ ગાંધી ફ્લોપ રહ્યા છે. પરિવારવાદ વિચારધારા પર તેમનું વલણ શું છે તે બાબત પર રાહુલ ગાંધીએ ખુલાસો કરવો જાઇએ.