હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના ટ્રેન્ટ પ્રમાણે રાજ્યમાં કોગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે. અત્યાર સુધીના સામે આવેલા પરિણામ બાદ કોંગ્રેસ એક્શન મોડમાં સામે આવી ગઈ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બધેલ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને રાજીવ શુક્લા શિમલા જશે. તો બીજીતરફ કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તોડવાનો ડર લાગી રહ્યો છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને મોહાલીમાં શિફ્ટ કરાવી શકે છે. કોંગ્રેસે ધારાસભ્યોને રોકવા માટે એઆઈસીસી સચિવોની ડ્યૂટી લગાવી છે. આ સાથે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટે લાગી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસને ડર છે કે ભાજપ તેના જીતેલા ધારાસભ્યોને તોડી શકે છે. આ આશંકા અને કથિત ઓપરેશન લોટસને ધ્યાનમાં રાખતા કોંગ્રેસે હિમાચલના ધારાસભ્યોને મોહાલી મોકલવાની યોજના બનાવી છે. સૂત્રો પ્રમાણે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર હુડ્ડાને તેની જવાબદારી સોંપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેઓ પણ આજે શિમલા પહોંચે તેવી શક્યતા છે. આજે ચૂંટણીના પરિણામો બાદ નક્કી થશે કે જનતા ફરીથી ભાજપને તક આપશે કે કોંગ્રેસને. બપોરે ૧૨ વાગ્યાની આસપાસના વલણો અનુસાર, ૬૮ સભ્યોની હિમાચલ વિધાનસભામાં ભાજપને ૨૮ જ્યારે કોંગ્રેસને ૩૭ બેઠકો મળી રહી છે. કોઈપણ પક્ષને ત્યાં સરકાર બનાવવા માટે ૩૫ બેઠકોની જરૂર પડશે.
હિમાચલ પ્રદેશમાં ૧૨ નવેમ્બરે મતદાન થયું હતું. પ્રદેશમાં આશરે ૫૫ લાખ મતદાતાઓમાંથી લગભગ ૭૫ ટકાએ આ વખતે પોતાના મતાધિરાકનો પ્રયોગ કર્યો હતો. ચૂંટણીમાં કુલ ૪૧૨ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે હિમાચલમાં ફરી પરિવર્તન થઈ રહ્યું છે. અહીં પાંચ વર્ષે સરકાર બદલી દેવાનો ટ્રેન્ડ યથાવત રહી શકે છે.