અમદાવાદ : લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષ હવે એકદમ એકશન મોડમાં છે અને આ વખતે કોઇપણ ભોગે સત્તાના શિખરો સર કરવા માટેનું બહુ ગણતરીપૂર્વકનું પ્લાનીંગ અને રણનીતિ ઘડી રહી છે. કોંગ્રેસ વર્કિગ કમીટી(સીડબલ્યુસી)ની બહુ મહત્વની બેઠક આ વખતે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં યોજવાનો બહુ મોટો અને ઐતિહાસિક કહી શકાય તેવો નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા લેવાયો છે. કોંગ્રેસ વર્કિગ કમીટીની ગુજરાતમાં યોજાનારી આ મહત્વની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ, એહમદ પટેલ સહિતના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ હાજરી આપશે. સીડબલ્યુસીની બેઠક બાદ ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવે તેવી શકયતા છે, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ગુજરાતની જનતાને કોંગ્રેસ તરફી મતદાન માટે આકર્ષવાનો પ્રયાસ કરશે.
લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા બહુ ગંભીરતાપૂર્વક અને ગણતરીપૂર્વકના આયોજન ચાલી રહ્યા છે. ખાસ કરીને ચૂંટણીલક્ષી રણનીતિ આ વખતે કંઇક અલગ પ્રકારની ઘડાઇ રહી છે કે જેથી ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાં કોંગ્રેસને મોટો ફાયદો થાય તો, ગઠબંધન અને તડજાડની નીતિના સહારે કેન્દ્રની સત્તા મેળવવાનો સીધો અને મોટો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ વર્કિગ કમીટી(સીડબલ્યુસી)ની બેઠકમાં બહુ મહત્વની અને નોંધનીય ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. અગાઉ સીડબલ્યુસીની બેઠક તા.૨૬મી ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરંતુ હવે તા.૨૮મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિગ કમીટીની બેઠક યોજવાનું નક્કી થયું છે અને તે પણ ગુજરાતમાં. જેને લઇ ગુજરાત કોંગ્રેસમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો છે. કારણ કે, સીડબલ્યુસીની બેઠક ગુજરાતમાં યોજાય તે ગુજરાત કોંગ્રેસ માટે પણ ગર્વની વાત છે કારણ કે, તેનો મતલબ એ છે, કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇ દેશમાં તમામ રાજયોની સરખામણીમાં ગુજરાત પર મુખ્ય ફોક્સ કરવામાં આવ્યું છે. તેનું એક કારણ એ પણ છે કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ગુજરાતના છે.
તેથી ગુજરાતની જીત કોંગ્રેસ માટે બહુ મોટી અને મહત્વની છે. કોંગ્રેસ વર્કિગ કમીટીની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ, એહમદ પટેલ સહિતના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ હાજરી આપશે. સીડબલ્યુસીની બેઠક બાદ ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવે તેવી શકયતા છે, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ગુજરાતની જનતાને કોંગ્રેસ તરફી મતદાન માટે આકર્ષવાનો પ્રયાસ કરશે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ હવે સીડબલ્યુસીની બેઠકને લઇ તડામાર તૈયારીઓમાં પડયા છે. ખાસ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયકાં ગાંધી અને મનમોહન સિંહ સહિતના રાષ્ટ્રીય નેતાઓનો રોડ શો યોજાય તો તેની કેવી રીતે તૈયારી કરવી તેનો રોડ મેપ પણ તૈયાર થઇ રહ્યો છે. સીડબલ્યુસીની બેઠકને લઇ કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.