કોંગ્રેસ કેપ્ટન વગરની ટીમ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોંગ્રેસ પાર્ટી લોકસભાની ચૂંટણી બાદ એટલી હદ સુધી મુશ્કેલીમાં છે કે રાહુલ ગાંધીએ પાર્ટી પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધા બાદ પાર્ટી હજુ સુધી રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી પણ કરી શકી નથી. પાર્ટીમાં કોંગ્રેસ પ્રમુખના નામને લઇને પણ ભારે વિરોધાભાસ છે. રાહુલ ગાંધી સિવાય પાર્ટીનુ નેતૃત્વ કરી શકે તેવા કોઇ લીડર જ દેખાઇ રહ્યા નથી. કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી પાર્ટીના રાષ્ટ્રીય  અધ્યક્ષના મામલે દુવિધાભરી સ્થિતીમાં છે. જુદા જુદા જુદા વિષય પર કોંગ્રેસી નેતાઓ કોઇ નિવેદન કરવાની પણ સ્થિતીમાં દેખાઇ રહ્યા નથી.

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી તમામ મિશન ૨૦૨૨ને લઇને અંતિમ તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતીમાં એકદમ ફેંકાઇ ગયેલી કોંગ્રેસ પાર્ટી હજુ સુધી કેપ્ટનની પસંદગી પણ કરી શકી નથી. સોનભદ્ર અને ઉન્નાવ રેપ કેસ જેવા મામલે કોંગ્રેસ પાર્ટી લોકોની વચ્ચે જઇ શકી નથી. પ્રિયંકા ગાંધીએ ચોક્કસપણે સક્રિય રહીને પ્રતિક્રિયા આપી હતી. પરંતુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર તો સમગ્ર સીનથી ગાયબ રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ હવે તેઓ પ્રદેશના પ્રવાસ પણ કરી રહ્યા નથી.

આવી સ્થિતીમાં પાર્ટીમાં રહેલા તમામ સભ્યોનો વિશ્વાસ ખુટી રહ્યો છે. જેથી પાર્ટી નેતાઓમાં અસંતોષ રહે તે સ્વાભાવિક છે. આવા નેતાઓ પર ભારતીય જનતા પાર્ટીએ જોરદાર રીતે નજર કેન્દ્રિત કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી હાલમાં નેતૃત્વ વગર ભારે મુશ્કેલી છે. કોંગ્રેસને ફરી સક્રિય થવા માટે સૌથી પહેલા લોકોમાં લોકપ્રિય હોય તેવા સર્વસંમત નેતાની પસંદગી કરવી પડશે. ત્યારબાદ આક્રમક પ્રચારની શરૂઆત કરવી પડશે. લોકના હિત સાથે જોડાયેલા મુદ્દા લોકોની વચ્ચે રહીને રજૂ કરવા પડશે. સામાન્ય લોકોના મન જીતી લેવાના પ્રયાસ કરવા પડશે. મોદી સરકારની માત્ર ટિકા કરવાથી કામ ચાલશે નહીં.

Share This Article