નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સાથે હાથ મિલાવ્યા બાદ ભાજપને પેટાચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના સંબંધો વધી રહ્યા છે ત્યારે ભાજપની ચિંતા ત્રણ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને લઈને વધી ગઈ છે.
મધ્યપ્રદેશ, અને રાજસ્થાન સહિત ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આના કારણે સત્તારૂઢ પાર્ટીની ચિંતા વધી ગઈ છે. ભાજપને લાગે છે કે જો આ બંને પાર્ટી હાથ મિલાવશે તો તેના માટે ત્રણેય રાજ્યોમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. જો કે પાર્ટી એમ પણ માનીને ચાલે છે કે જો અજિત જોગીની પાર્ટી આ ગઠબંધનમાં સામેલ નહીં થાય તો આનાથી ભાજપને સીધો ફાયદો થશે. સૌથી વધારે ચિંતા મધ્યપ્રદેશ સરકારને લઈને છે.
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાંથી મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીનું નેટવર્ક સૌથી વધારે છે. બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સાથે મળીને ચૂંટણી લડશે તો મત હિસ્સેદારીના મામલામાં ભાજપને ચોક્કસપણે ટક્કર મળી શકે છે. ભાજપના નેતાઓ પણ આ વાતને કબુલે છે. મધ્યપ્રદેશમાં ભાજપ સંગઠન ખૂબ મજબૂત છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને હજુ પણ ખૂબ મહેનત કરવાની જરૂર દેખાશે. બંને પાર્ટીઓ મળીને લડવાની સ્થિતિમાં ૨૫ સીટો પર સમિકરણો બદલાઈ શકે છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના વોટ ટ્રાન્સફર થતા સમગ્ર રાજ્યમાં ઓછામાં ઓછી ૫૦ સીટો એવી છે જ્યાં કોંગ્રેસને ૧ થી ૩ ટકા વધારે મત મળી શકે છે.
છત્તીસગઢમાં પણ આવી જ સ્થિતિ રહેલી છે. અહીં બહુજન સમાજ પાર્ટીની મત હિસ્સેદારી ચાર ટકા છે. છેલ્લી ચુંટણીમાં જો આ ગઠબંધન રહ્યું હતો તો ભાજપને સરકાર બનાવવા માટેની બાબત મુશ્કેલરૂપ રહી હોત.