બેંગ્લોર : કર્ણાટકમાં કુમારસ્વામી સરકારને બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધા બાદ રાજકીય હલચલ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ આજે દિલ્હીમાં કહ્યું હતું કે, ભાજપ દ્વારા ભ્રમ ફેલાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ પ્રયાસોમાં તેને સફળતા મળશે નહીં. ખડગેએ એમ પણ કહ્યું હતું કે, ભાજપે પોતાના ધારાસભ્યોને ગુરુગ્રામમાં સેવન સ્ટાર હોટલમાં પુરી દીધા છે જે દર્શાવે છે કે, નબળાઈ કઇ પાર્ટીમાં છે. ભાજપે પહેલા પણ કર્ણાટકમાં પ્રયાસો કર્યા હતા પરંતુ યેદીયુરપ્પાને સફળતા હાથ લાગી ન હતી. કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામુ આપી શકે છે તેવા અહેવાલ વચ્ચે ખડગેએ સ્પષ્ટતા કરી છે કે, રાજ્ય સરકાર ઉપર કોઇ ખતરો નથી. ભાજપે પોતાના ધારાસભ્યોને એક જગ્યાએ પકડીને રાખ્યા છે.
ભાજપના લોકો પરેશાન દેખાઈ રહ્યા છે. સંક્રાંતિ દક્ષિણી રાજ્યોમાં મોટા તહેવાર તરીકે છે. કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાં મોટા તહેવાર તરીકે છે પરંતુ ધારાસભ્યોને પોતાના ઘરે જવાની મંજુરી મળી રહી નથી. ભાજપ ઉપર અફવા ફેલાવવાના પ્રયાસ કરવાનો આક્ષેપ કરતા ખડગેએ કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો તેના સંપર્કમાં છે તેવી અફવા ફેલાવવામાં આવી રહી છે. કોઇને કહે છે કે, ૧૧ અને કોઇને કહે છે કે ૧૨ સભ્યો એવા છે જે ભાજપમાં આવી શકે છે પરંતુ આ તમામ અફવાઓ છે.
ખડગેએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી કુમારસ્વામી સાથે વાતચીત થઇ ચુકી છે. ચિંતાની કોઇ વાત નથી. કર્ણાટકના ઇન્ચાર્જ સેક્રેટરી કેસી વેણુગોપાલે કહ્યું છે કે, કર્ણાટકના વરિષ્ઠ નેતાઓ અને જિલ્લાવાર નેતાઓ સાથે પણ વાતચીત થઇ છે. ભાજપની હરકતોને દેશના લોકો જાઈ રહ્યા છે. ગોવા, મણિપુર, અરુણાચલ અને ઉત્તરાખંડમાં ભાજપે તોડફોડ કરીને સરકાર બનાવી છે. સ્થિર સરકારને ગબડાવી દેવાના પ્રયાસો થઇ રહ્યા છે.