બોર્ડના નવા પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખથી કોંગ્રેસ ભારે નારાજ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત ગુજરાતની રાજકીય ગાથા પુસ્તકને લઇને હવે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે. પુસ્તકમાં ગોધરાકાંડ માટે કોંગ્રસને જવાબદાર ઠરાવાતાં કોંગ્રેસ લાલઘૂમ જો વા મળી રહી છે અને હવે કોંગ્રેસ દ્વારા આવતીકાલે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજવામાં આવશે.

આ વિરોધ પ્રદર્શનમાં એનએસયુઆઇ યુથ કોંગ્રેસ અને અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ સહિતના કોંગ્રેસના નેતાઓ અને સેંકડો કાર્યકરો જોડાશે અને પુસ્તકનો જોરદાર વિરોધ કરી તેને બાળવાનો કાર્યક્રમ આપશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ગુજરાતની રાજકીય ગાથા પુસ્તકમાં ગોધરાકાંડ કોંગ્રેસ પ્રેરિત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબતે કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ફંડમાંથી ભાજપના મુખપત્ર સમાન પુસ્તક ગુજરાતની રાજકીય ગાથાની પાંચ હજાર કોપી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા છાપવામાં આવી છે.

આ પુસ્તક રાજકીય ભાષણોનું સંકલન હોય તેવું લાગે છે. આ બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અગાઉ જણાવ્યું હતું કે, ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડનું ભાજપે ભગવાકરણ કર્યું છે. ભાજપ પ્રજાના પૈસે પોતાનો પ્રચાર અને પ્રસાર કરે છે. કોર્ટના ચુકાદાને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. આ પુસ્તકને પુરાવાઓથી વિપરીત લખવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં આ પુસ્તકની સામે કોંગ્રેસ કાનૂની લડત ચલાવશે. પુસ્તકમાં કોગ્રેસના શાસનને ઉતરતુ ચીતરવામાં આવ્યું છે, જે ભાજપની હલકી માનસિકતા રજૂ કરે છે. વાસ્તવમાં, પુસ્તકમાં ખોટી માહિતી તોડી મરોડીને રજૂ કરાઇ છે, જેનો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરે છે અને તેથી પુસ્તકના વિરોધમાં આંદોલનાત્મક કાર્યક્રમો અપાશે.

Share This Article