નવીદિલ્હીઃ આસામમાં નેશનલ રજિસ્ટ્રાટ ઓફ સિટિઝન માટે ફાઇનલ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રક્તપાત સંબંધિત અને ગૃહયુદ્ધ સંબંધિત નિવેદનને લઇને ભાજપને હવે કોંગ્રેસનો પણ સાથ મળી ગયો છે.
ભાજપની સાથે સાથે કોંગ્રેસના આસામના અધ્યક્ષ રિપુણ બોરાએ કહ્યું છે કે, મમતા બેનર્જીનું નિવેદન હાસ્યાસ્પદ રહ્યું છે. તેમનું નિવેદન ટિકાપાત્ર છે. એક મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીએ આ પ્રકારના ઉશ્કેરણીજનક સુચનો કરવા જાઇએ નહીં. તેમણે કહ્યું હતું કે, અમે આ પ્રકારના નિવેદનની ટિકા કરીએ છીએ. કારણ કે રાજ્યમાં સંપૂર્ણપણે શાંતિ છે.
આ પહેલા મમતાએ મંગળવારના દિવસે એનઆરસી ડ્રાફ્ટને લઇને ટિકા કરી હતી. મમતાએ કહ્યું હતું કે, દેશમાં વર્તમાન સ્થિતિના કારણે ગૃહ યુદ્ધની સ્થિતિ થઇ શકે છે.