અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા માટે કોંગ્રેસે આજે ફરી એકવાર વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો આજે વિધાનસભા અધ્યક્ષને મળીને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવા માંગણી કરી હતી. તો સાથે સાથે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ દ્વારકા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ધારાસભ્ય પદને પણ રદ કરવા માટે રજૂઆત કરી હતી. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના દસ ધારાસભ્યો આજે વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
કોંગી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને મળી રજૂઆત કરી હતી કે, ગુજરાત હાઇકોર્ટે દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદબાતલ ઠરાવતાં ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય પબુભા માણેક હવે ધારાસભ્ય પદે ટકતા નથી. ખુદ સુપ્રીમકોર્ટમાંથી પણ પબુભા માણેકને કોઇ રાહત મળી નથી ત્યારે તેમને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે તે મુદ્દે અનેક આક્ષેપ વિપક્ષો દ્વારા કરવામાં આવ્યા હતા. વિપક્ષના સભ્યો દ્વારા આક્ષેપ કરાયો હતો કે, જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું ધારાસભ્ય પદ રજાના દિવસે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ભાજપ દ્વારા આ સમગ્ર મામલે ઉતાવળ કરવામાં આવી હતી. તેવી રીતે જ ભૂપેન્દ્ર ખાંટના કિસ્સામાં પણ ભાજપે મીડિયાની સામેથી બોલાવીને જ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.
તો પછી સુપ્રીમ કોર્ટનો નિર્ણય હોવા છતાં પણ પબુભા માણેકને અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં કેમ આવ્યા નથી તેનો હિસાબ અધ્યક્ષ પાસે માંગવામાં આવ્યો હતો. દરમ્યાન અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી હતી. અગાઉ તા.૨૫ એપ્રિલે કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે પણ વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા અરજી કરી હતી.
અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ૧૦ એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યારબાદ બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં કોંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો. હવે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવાની મથામણમાં જોતરાઇ છે.