અમદાવાદઃ એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ગુજરાતના સંદર્ભમાં કોંગ્રેસી સભ્યો દ્વારા વાત કરવામાં આવતા વળતો પ્રશ્ન કર્યો છે અને કહ્યું છે કે, પંજાબ અને કર્ણાટકમાં કોંગ્રેસનું શાસન છે. કોંગ્રેસ વિધાનસભા ભંગ કરીને ફરીથી ત્યાં ચૂંટણી લાવવા ઇચ્છુક છે તે અંગે ૧૦ જનપથ પર ફોન કરીને કોંગ્રેસના સભ્યો જવાબ આપે તે જરૂરી છે. કોંગ્રેસના જવાબ પછી અમે ગુજરાતના સંદર્ભમાં જવાબ આપીશું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી મગફળી મામલે પક્ષપાત કે પૂર્વગ્રહ વગર દોષિતો સામે કઠોર કાર્યવાહી કરી રહી છે. કૃષિમંત્રી ફળદુએ વારંવાર મિડિયા દ્વારા વિગતો આપી છે પરંતુ કોંગ્રેસના પગ નીચે રેલો આવતા ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ૧૫મી ઓગસ્ટથી ગુજરાતના ૪૧ જિલ્લાઓમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન વૃદ્ધિ હાથ ધરવામાં આવનાર છે.
પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આગામી ૧૫ ઓગષ્ટથી સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો સમગ્ર ગુજરાતના શક્તિકેન્દ્રોથી પ્રારંભ થવાનો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી – ભાવનગર, કેન્દ્રિય મંત્રી અને રાષ્ટ્રીય ઉપાધ્ય પરષોત્તમભાઇ રૂપાલા – અમરેલી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા – ગાંધીનગર, કેબીનેટ મંત્રી આરસી ફળદુ – સુરેન્દ્રનગર, કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા – રાજકોટ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર – સુરત, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા – જુનાગઢ,પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ – બનાસકાંઠા, રાજ્યસભાના સાંસદ અને અનૂસુચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શંભુનાથ ટૂંડીયા – બોટાદ ખાતે ઉપસ્થિત રહી સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભ કરાવશે.