ભાલુસણા ગામમાં ચોરો ચંદનના ૭ ઝાડ કાપી ૪ લઈ ગયાની ફરિયાદ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઇડરના વસઇમાં ચંદનચોરોએ ચાલુ માસના પ્રારંભે બઘડાટી બોલાવ્યા બાદ પોલીસે પેટ્રોલિંગ વધાર્યાનો દાવો કર્યો હતો અને થોડો સમય ચંદન ચોરીની ઘટના ન બનતા દાવો સાચો પૂરવાર થઇ રહ્યો હતો. એટલામાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરામાં ૧૫ મે ના રોજ ૧૫ થી ૨૦ ચંદનના ઝાડ કાપી નાખવાની ઘટના બહાર આવ્યા બાદ દસેક દિવસ સુધી ચંદન ચોરીની બૂમ પડી ન હતી.

પરંતુ ૨૫ મે ના રોજ ફરી એકવાર ચંદનચોરો વડાલીના ભાલુસણા ગામમાં ત્રાટક્યા હતા અને અનારજી બાદરજી સોલંકીના ખેતરમાં ચંદનના ૭ જેટલા ઝાડ કાપી નાખ્યા હતા અને ૪ ઝાડનું સુગંધીદાર લાકડુ લઇને આરામથી પલાયન થઇ ગયા હતા. તમામ પ્રકારની તસ્કરીના ગુનાનું ડિટેક્શન કરવામાં વડાલી પોલીસ નિષ્ફળ પુરવાર થઇ રહી છે.

ટેકનિકલ સર્વેલન્સ ઉપર જ ર્નિભર બની રહેલ પોલીસે વિશ્વસ્ત અને મજબૂત કહી શકાય તેવા હ્યુમન ઇન્ટેલીજન્સ નેટવર્કને જાણે અજાણ્યે ધ્વંસ્ત કરી નાખ્યુ છે જેને કારણે ડિટેક્શન રેટ બહુ નીચો જતો રહ્યો છે અને સ્થાનિક પોલીસ પણ જિલ્લાની એજન્સી ડીટેક્શન કરશે તેવી માનસિકતા સાથે હાથ ઉપર હાથ રાખી બેસી રહેતા નાગરિકોને સહન કરવાનો વારો આવ્યો છે.ઇડર, વડાલી, ખેડબ્રહ્મા પંથકમાં ચંદનચોરો પોલીસ અને વન વિભાગને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ નાઇટ પેટ્રોલિંગના પોલીસના દાવા છતાં ૧૦ દિવસમાં ફરીથી વડાલી તાલુકાના ભાલુસણા ગામની સીમમાં ચંદનના ૭ ઝાડ કાપી ૪ ઝાડ લઇ ફરાર થઇ ગયા હતા છતાં પોલીસ કે વન વિભાગને અણસાર સુદ્ધા આવ્યો ન હતો.

Share This Article