અમેરિકાની સંસદ દ્વારા પસાર કાયદાને કારણે અનેક વર્ષોથી જાહેર કંપનીઓના સીઈઓના વેતનની તુલના સામાન્ય કર્મચારીઓસાથે કરવી પડે છે. ૨૦૨૧માં સીઈઓએ કંપનીઓમાં મધ્યમ સ્તરના કર્મચારીઓના વેતન કરતાં ૩૩૯ ગણા વધુ કમાયા છે. જે ૨૦૨૦ની તુલનામાં ૩૧૧ ગણું વધુ છે.વેતન કન્સલ્ટિંગ કંપની ઇક્વિલારના એક સરવેમાં જાણવા મળ્યું કે, કંપનીઓના મોટા અધિકારીઓ અને કર્મચારીઓની આવકમાં અંતર વધ્યું છે, પરંતુ મહામારીની વચ્ચે જાણે કંપનીઓએ પોતાનો ખજાનો ખોલી નાખ્યો છે. ૨૦૨૧માં સીઈઓ અને મધ્યમ સ્તરના કર્મચારીઓના પેકેજમાં ૩૩૯ ગણું અંતર રહ્યું છે. સૌથી વધુ વેતન, બોનસ, ભથ્થા, શેર મેળવનારા દસ એક્ઝીક્યુટિવ્સનું પેકેજ ૧૦૦ મિલિયન ડોલર (રૂ.૭૮૨ કરોડ)થી વધુ રહ્યું છે. આવું પ્રથમ વખત થયું છે. તેમનું સરેરાશ વેતન રૂ.૨૫૮૨ રહ્યું છે. માત્ર ટોચ પર બેસેલા ગણતરીના લોકો જ નહીં અન્ય અધિકારીને પણ શાનદાર પેકેજ મળ્યું છે.
૨૦૨૧માં મધ્યમ સ્તરના ચીફ એક્ઝિક્યુટિવને રૂ.૨૫૧ કરોડ મળ્યા હતા. જે ૨૦૨૦ના રૂ.૧૯૭ કરોડથી ૨૭% વધુ છે. ઇક્વિલારના સરવેમાં સામેલ ૨૦૦ કંપનીઓમાં ડિજિટલ એડવર્ટાઈઝિંગ કંપની ટ્રેડ ડેસ્કના સીઈઓ જેફ ગ્રીનને ગયા વર્ષે રૂ.૬૫૩૪ કરોડનું પેકેજ મળ્યું છે. સોફ્ટવેર કંપની ક્વેલટ્રિક્સના વડા જિગ સેરાફિનનું પેકેજ રૂ.૪૨૩૩ કરોડનું છે. ટ્રાવેલ કંપની એક્સપીડિયાના સીઈઓ પીટર કર્નનું વેતન રૂ.૨૩૧૬ કરોડ હતું.
કોસ્મેટિક કંપની કોટીની પ્રમુખ સ્યૂ નબી સૌથી વધુ વેતન મેળવનારા દસ એક્ઝિક્યુટિવમાં એકમાત્ર મહિલા છે, જેને રૂ.૨૨૨૨ કરોડનું વેતન મળ્યું છે.ટેસ્લાએ જ્યારે એલન મસ્કને ૨૦૧૮માં કરોડો રૂપિયાનું પેકેજ આપ્યું ત્યારે તેણે અમેરિકાની મોટી જાહેરા કંપનીઓના સીઈઓનાં વેતન, ભથ્થામાં મોટો વધારો કરવાનો રસ્તો ખોલી નાખ્યો હતો. પેકેજમાં મુખ્યત્વે કંપનીના શેર સામેલ હતી. મસ્કને અત્યાર સુધી રૂ. ૪.૬૦ લાખ કરોડના શેર મળી ચૂક્યા છે. કોર્પોરેટ પેકેજના વિશેષજ્ઞોના અનુસાર, મસ્કના પેકેજની અસર દરેક જગ્યાએ જોવા મળે છે.