કોમનવેલ્થ ગેમ્સની  ટેબલ ટેનિસની ટીમે પણ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસના અંતમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. આ ભારત નામે થયેલો દિવસનો ત્રીજો ગોલ્ડ મેડલ છે. ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટની ફાઇનલમાં ભારતે સિંગાપોરને 3-1થી હાર આપી છે.

આ ઉપરાંત ભારતના વેઇટ લીફ્ટર વિકાસ ઠાકુરે રવિવારે ભારતના નામે ત્રીજો કાંસ્ય મેડલ કર્યો. તેમણે કુલ 351 કિલોગ્રામ વજન ઉપાડ્યો હતો. ક્લિન એન્ડ જર્કમાં તેઓ સારૂ પ્રદર્શન નહી કરી શકતા તેમણે કાંસ્ય મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તેમજ 21માં કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે 16 વર્ષની મનુ ભાકરે મહિલાઓની 110 મીટર એર પિસ્તલ શુટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે સિવાય આ જ સ્પર્ધામાં હીના સિધુએ પણ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

ફાઈનલમાં મનુએ 240.9 પોઈન્ટ્સ મેળવ્યા અને હિનાએ 234 પોઈન્ટ્સ. તેની સાથે ભારતે 6 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ મેડલ સાથે કુલ નવ મેડલ પ્રાપ્ત કરી લીધા છે. મેડલ ટેલીમાં ત્રીજા નંબરે છે. અગાઉ ભારતની મહિલા વેટલિફ્ટર(69 કિલોગ્રામ) પૂનમ યાદવે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પુનમે સ્નેચમાં 100 અને ક્લીન એન્ડ જર્કમાં 122 કિલોગ્રામ સાથે કુલ 222 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમનો ત્રીજો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. વેટલિફ્ટર રાહુલ અને સતીશ શિવલિંગમએ બે ગોલ્ડ મેડલ જીત્યા છે.

ભારતીય બેડમિન્ટન અને ટેબલ ટેનિસની ટીમોએ પણ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધુ છે.

Share This Article